રાજકોટમાં ડીસીપી હેતલ પટેલ દ્વારા ગોઠવવામાં આવેલી પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત કુવાડવા રોડ પોલીસે નવાગામ વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે બોલેરો ગાડી અને ગોડાઉનમાંથી કુલ 243 પેટીમાંથી 2916 બોટલ વિદેશી દારૂ મળી કુલ રૂ.18.79 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
બાતમીના આધારે ગોડાઉન પર દરોડો
કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ એ.એન. જાનીની રાહબરીમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન નવાગામ બસ સ્ટેન્ડ પાસે પોલીસને બાતમી મળી હતી કે નવાગામ તળાવ રોડ પર કેશુબાપાના બગીચા પાસે શેરી નં.2માં આવેલા બંધ ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો બોલેરો ગાડી મારફતે હેરાફેરી અને વેચાણ માટે મોકલવામાં આવતો હોવાની માહિતી મળી હતી.
ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. દરમિયાન ગોડાઉન બહાર ચાર શખ્સો બોલેરોમાં દારૂના બોક્સ ભરતા મળી આવ્યા હતા. પોલીસે ચારેયની અટકાયત કરી પૂછપરછ કરતાં તેમની ઓળખ પાર્થ શૌલેષ સોલંકી (ઉ.વ.19), અજમલ ગોવિંદ પરમાર (ઉ.વ.25), આશિષ ઉર્ફે ધુપેશ ભગવાનજી જાપડીયા (ઉ.વ.23) અને રાહુલ મુકેશ મકવાણા (ઉ.વ.21) તરીકે થઈ હતી. ચારેય નવાગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
બોલેરોમાંથી 32 પેટી, ગોડાઉનમાંથી 211 પેટી
પોલીસે ગોડાઉન બહાર ઊભેલી સફેદ રંગની બોલેરો ગાડીની તપાસ કરતાં તેના પાછળના ભાગમાંથી 32 પેટી વિદેશી દારૂની 384 બોટલ મળી આવી હતી.
ત્યારબાદ પોલીસે ગોડાઉનની તલાશી લેતાં પ્લાસ્ટિકના બાચકામાં છુપાવવામાં આવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉનમાંથી કુલ 211 પેટી એટલે કે 2532 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
આ રીતે બોલેરો અને ગોડાઉનમાંથી કુલ 243 પેટી તથા 2916 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની કિંમત સહિત બોલેરો ગાડી અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.18.79 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તપાસ શરૂ
કુવાડવા રોડ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના ઇશારે ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો તે અંગે પૂછપરછ શરૂ કરી છે. મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી પીઆઈ એ.એન. જાનીની રાહબરીમાં એએસઆઈ કે.વી. જાડેજા, હેડ કોન્સ્ટેબલ વિપુલ ગોહિલ, કોન્સ્ટેબલ કુશલભાઈ જોષી, જયદીપભાઈ ધોળકીયા, જયપાલભાઈ બરારીયા, ભાવેશભાઈ મકવાણા સહિતની ટીમે હાથ ધરી હતી.










