8 ઓક્ટોબરે ઉલ્કાવર્ષા મહત્તમ સ્તરે પહોંચશે : સ્વચ્છ આકાશમાં નરી આંખે પણ નિહાળી શકાશે
આજથી સતત ચાર દિવસ સુધી વિશ્વના અનેક વિસ્તારોમાં રાત્રિના આકાશમાં ડ્રકોનીડ્સ ઉલ્કાવર્ષાનો અદભૂત નજારો જોવા મળશે. સ્વચ્છ આકાશ હોય તો શરૂઆતમાં કલાકદીઠ આશરે 10 ઉલ્કા જોવા મળી શકે છે, જ્યારે ઉલ્કાવર્ષા દરમિયાન આ સંખ્યા વધીને કલાકદીઠ 50થી 100 કે તેથી વધુ પણ જોવા મળી શકે છે. આ ખગોળીય ઘટનાનો નજારો નિહાળવા ભારત જનવિજ્ઞાન જાથાની રાજ્ય કચેરી દ્વારા રાજ્યના લોકોને અપીલ કરવામાં આવી છે.
ભારત જનવિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાના જણાવ્યા મુજબ, 7થી 10 ઓક્ટોબર દરમિયાન ડ્રકોનીડ્સ ઉલ્કાવર્ષા સક્રિય રહેશે, જ્યારે 8 ઓક્ટોબરે તે મહત્તમ સ્તરે જોવા મળશે.
મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢે નજારો વધુ સ્પષ્ટ
ડ્રકોનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો ખાસ કરીને 8 ઓક્ટોબરની વહેલી સાંજ, મધ્યરાત્રિ બાદ તેમજ વહેલી પરોઢ દરમિયાન આકાશમાં જોવા મળી શકે છે. પ્રકાશ પ્રદૂષણથી દૂર આવેલા નિર્જન સ્થળેથી આ ઉલ્કાઓને નરી આંખે પણ સ્પષ્ટ રીતે નિહાળી શકાય છે.
ઉલ્કાવર્ષા જોવા માટે શહેરથી દૂર અને ખુલ્લી જગ્યાની પસંદગી કરવી વધુ અનુકૂળ રહે છે. વિદેશમાં પણ ખગોળરસિકો દરિયાકિનારા, પર્વતીય વિસ્તારો અને અન્ય નિર્જન સ્થળોએ બે-ત્રણ દિવસનો પડાવ નાખીને આવી ખગોળીય ઘટનાઓનું નિરીક્ષણ કરતા હોય છે.
ધુમકેતુઓ છે ઉલ્કાવર્ષા પાછળનું કારણ
વર્ષ દરમિયાન આકાશમાં અનેક વખત ઉલ્કાવર્ષા જોવા મળે છે અને તેની પાછળ મુખ્યત્વે ધુમકેતુઓ જવાબદાર હોય છે. ધુમકેતુઓ દ્વારા અવકાશમાં છોડવામાં આવેલા ધૂળ-કણો અને નાના ખડકના કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના કારણે તેજસ્વી પ્રકાશ સાથે બળી જાય છે, જેને આપણે ઉલ્કા તરીકે જોઈએ છીએ.
ઉલ્કાવર્ષા દરમિયાન આકાશમાં એક પછી એક પ્રકાશની લકીરો જોવા મળતી હોવાથી દિવાળીની આતશબાજી જેવો આકર્ષક નજારો સર્જાય છે.
ખગોળરસિકો ઉલ્કાની નોંધ રાખશે
ખગોળરસિકો આ ઘટનાનું વૈજ્ઞાનિક નિરીક્ષણ પણ કરશે. ચારેય દિશામાં નિરીક્ષકોને ગોઠવીને દેખાતી ઉલ્કાઓની સંખ્યા અને અન્ય વિગતોની નોંધ રાખવામાં આવશે. કેટલાક લોકો દૂરબીન તથા અન્ય સાધનોની મદદથી પણ આકાશી ઘટનાનું નિરીક્ષણ કરશે.
ભારત જનવિજ્ઞાન જાથા દ્વારા ફાયરબોલ ફોટોગ્રાફી તેમજ ડિજિટલ વિડિયોગ્રાફી દ્વારા ઉલ્કાવર્ષાના દૃશ્યો કેદ કરવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ઇન્ટરનેટ સાથે જોડાયેલા ખગોળરસિકોનો સહયોગ લેવામાં આવશે.
રાજ્યમાં ડ્રકોનીડ્સ ઉલ્કાવર્ષા અંગે વધુ માહિતી માટે 98252 16689 નંબર પર સંપર્ક કરવા ભારત જનવિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયું છે.










