હાઈકોર્ટના ચુકાદાઓ પર હવે ‘ટાઈમ-બાઉન્ડ’ એક્શન : ગુજરાત સરકારે વિભાગો માટે નક્કી કરી કડક માર્ગદર્શિકા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગરઃ હાઈકોર્ટના ચુકાદાઓના સમયસર અને અસરકારક અમલ માટે ગુજરાત સરકારે વહીવટી તંત્રને વધુ જવાબદાર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે નવી માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત હાઈકોર્ટનો ચુકાદો મળ્યા બાદ સંબંધિત વિભાગે નિયત પ્રક્રિયા મુજબ સમયમર્યાદામાં કાર્યવાહી કરવી પડશે.

સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એસઓપીનો મુખ્ય હેતુ અદાલતી ચુકાદાઓના અમલમાં થતો બિનજરૂરી વહીવટી વિલંબ અટકાવવાનો છે. સાથે જ કાર્યવાહી લંબાવવાના કારણે અદાલતી અવમાનનાની સ્થિતિ ઊભી ન થાય તે માટે પણ વિભાગોને સમયબદ્ધ રીતે નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે.

ચુકાદો મળ્યા બાદ વિભાગે સમયસર નિર્ણય લેવો પડશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તેમજ નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રી હર્ષ સંઘવી તથા કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાના નેતૃત્વ હેઠળ આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. કાયદા વિભાગના તાજેતરના પરિપત્રમાં હાઈકોર્ટના ચુકાદા બાદ સંબંધિત વિભાગ સમક્ષ ઉપલબ્ધ વિકલ્પો અને તેની પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી છે.

ચુકાદો મળ્યા બાદ સમયસર કાર્યવાહી ન થવાથી તેના અમલમાં વિલંબ થતો હોય છે. નવી એસઓપી હેઠળ આવા વહીવટી વિલંબને ઘટાડીને સમગ્ર પ્રક્રિયાને ટાઈમ-બાઉન્ડ બનાવવામાં આવી છે.

અધિકારી જવાબદાર જણાશે તો વિભાગના વડાની જવાબદારી

સરકારે સ્પષ્ટ કર્યું છે કે નિયત સમયમર્યાદા પૂર્ણ થવાના અંતિમ તબક્કામાં કાયદા વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલવાથી થતો વિલંબ અટકાવવાની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે. જો કોઈ કેસમાં સમયમર્યાદાનું ઉલ્લંઘન કોઈ અધિકારીની બેદરકારીને કારણે થયું હોવાનું જણાય, તો લાગુ નિયમો મુજબ જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવાની જવાબદારી વિભાગના વડાની રહેશે.

અમલ શક્ય ન હોય તો સમયમર્યાદા પહેલાં હાઈકોર્ટમાં અરજી

કેટલાક કિસ્સામાં વ્યવહારુ કારણોસર હાઈકોર્ટના આદેશનો નિયત સમયગાળામાં અમલ કરવો શક્ય ન હોય શકે. જેમ કે જરૂરી રેકોર્ડ ઉપલબ્ધ ન હોવો, સેવા સંબંધિત માહિતીનો અભાવ અથવા ચુકાદા મુજબ નિર્ણય લેવાની પ્રક્રિયા હજુ પૂર્ણ ન થઈ હોવી.

આવી સ્થિતિમાં સંબંધિત વિભાગે હાઈકોર્ટ સમક્ષ વધારાનો સમય માંગવાની કાર્યવાહી કરવી પડશે. ખાસ કરીને આ અરજી મૂળ ચુકાદામાં નક્કી કરાયેલી સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં જ દાખલ કરવાની રહેશે. અંતિમ સમય સુધી રાહ જોવાને બદલે સમયસર કોર્ટનો સંપર્ક કરવાની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.

ચુકાદો સ્વીકારવો કે અપીલ કરવી તે પણ સમયસર નક્કી કરવાનું રહેશે

જો વહીવટી વિભાગ હાઈકોર્ટના ચુકાદાને સ્વીકારે છે, તો નાણાં વિભાગ દ્વારા નક્કી કરાયેલી પ્રક્રિયા મુજબ જરૂરી કાર્યવાહી કરવી પડશે. જ્યારે વિભાગને ચુકાદા સામે અપીલ કરવી યોગ્ય લાગે, ત્યારે વિભાગીય અભિપ્રાય સાથે કાયદા વિભાગની સલાહ મેળવી નિયત સમયમર્યાદામાં લિટિગેશનની કાર્યવાહી શરૂ કરવી પડશે.

આ સાથે કાયદા વિભાગ દ્વારા 29 જૂન 2024ના રોજ જાહેર કરાયેલા નિર્દેશોનું પાલન કરવાની જવાબદારી પણ સંબંધિત વહીવટી વિભાગની રહેશે. એટલે કે હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ તેને પડતર રાખવાને બદલે વિભાગે સમયસર નિર્ણય લેવો પડશે કે ચુકાદો સ્વીકારવો છે કે તેની સામે અપીલની કાર્યવાહી કરવી છે.

અપીલની દરખાસ્તમાં દસ્તાવેજો અને ચેકલિસ્ટ ફરજિયાત

અપીલ માટેની દરખાસ્ત તૈયાર કરતી વખતે ઈ-ફાઈલમાં નોંધાયેલી નોંધ સાથે સંદર્ભિત તમામ જરૂરી દસ્તાવેજો ઈ-સરકાર પ્રણાલીમાં અપલોડ કરવાના રહેશે. સંબંધિત દસ્તાવેજો અને સંદર્ભોની સ્પષ્ટ હાઈપરલિંક પણ નોંધવાની રહેશે.

આ ઉપરાંત સક્ષમ અધિકારીની સહીવાળી ચેકલિસ્ટમાં વિલંબના કારણો સહિત જરૂરી વિગતો દર્શાવવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારના આ પગલાથી અપીલની દરખાસ્તોમાં દસ્તાવેજોની સંપૂર્ણતા અને પ્રક્રિયાની સ્પષ્ટતા જળવાશે તેમજ બિનજરૂરી પત્રવ્યવહાર કે દસ્તાવેજોના અભાવે થતા વિલંબને ઘટાડવામાં મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai