સુરતઃ શહેરના માન દરવાજા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશન કામગીરી દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. વિસ્તારમાં આવેલા એક મંદિરને તોડી પાડવાની કાર્યવાહી શરૂ થતાં જ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને પાલિકાની કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકાની ટીમ માન દરવાજા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી માટે પહોંચી હતી. આ દરમિયાન મંદિરના ડિમોલિશન માટે બુલડોઝર આગળ વધારવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
મંદિર તોડવાની કાર્યવાહીનો વિરોધ કરતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓને ચારેય તરફથી ઘેરી લીધા હતા. જેના પગલે સ્થળ પર તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.
પાલિકાની કાર્યવાહી સામે સ્થાનિકોમાં રોષ
ડિમોલિશનની કામગીરીનો વિરોધ કરી રહેલા સ્થાનિકો અને પાલિકાના સ્ટાફ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ અધિકારીઓનો ઘેરાવ કરતાં કામગીરી દરમિયાન થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
સ્થાનિક રહીશોએ મંદિરના ડિમોલિશન સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં તંગ પરિસ્થિતિ સર્જાતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.










