અમદાવાદના સનાથલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને ડ્રાઇવરને ઝડપી પાડ્યો હતો. કારમાંથી વિદેશી દારૂની 1200થી વધુ બોટલો મળી આવતાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો ચાંગોદરમાં રહેતા દેવેન્દ્ર દરજી અને સંજય ચુનારાએ રાજસ્થાનથી મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસનો ઇશારો જોઈ કારચાલકે પુરઝડપે કાર હંકારી
સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે એક SUV કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી સનાથલ સર્કલથી ચાંગોદર તરફ લઈ જવામાં આવવાનો છે. બાતમીના આધારે પોલીસે ગત રાત્રે વોચ ગોઠવી હતી.
દરમિયાન એસ.પી. રિંગ રોડ તરફથી સનાથલ તરફ આવતી શંકાસ્પદ કારને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારચાલકે પોલીસનો ઇશારો અવગણીને કાર પુરઝડપે હંકારી મૂકી હતી. આથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કારનો પીછો શરૂ કર્યો હતો અને ચાંગોદર નજીક કારને રોકી તેની તપાસ હાથ ધરી હતી.
કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો
પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની અંદાજે 1100 જેટલી બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે કારચાલક અલ્તાફ વોરા, રહે. છીપાનગર, મકરબા,ની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી હતી.
પૂછપરછ દરમિયાન અલ્તાફે પોલીસને જણાવ્યું હતું કે ચાંગોદરમાં રહેતા દેવેન્દ્ર દરજી અને સંજય ચુનારાએ આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો.
રાજસ્થાનના બુટલેગરોએ મોકલ્યો હતો જથ્થો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનના બુટલેગર પ્રકાશ મારવાડી અને સુરેશ મારવાડી દ્વારા દારૂનો જથ્થો અમદાવાદ મોકલવામાં આવ્યો હતો. પ્રકાશ મારવાડીએ અલ્તાફને કાર લઈને બારકોલ નદીના પટમાં જવા માટે જણાવ્યું હતું.
અલ્તાફ ત્યાં પહોંચ્યા બાદ એક મીની બસમાંથી વિદેશી દારૂનો જથ્થો કારમાં લોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે દારૂનો જથ્થો લઈને ચાંગોદર તરફ જઈ રહ્યો હતો. આ કામના એક ફેરાના બદલામાં અલ્તાફને રૂ.35 હજાર આપવાના હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
ચાંગોદર સુધી દારૂ પહોંચાડવાનું હતું
સ્ટેટ મોનિટરિંગ સેલે સમગ્ર મામલે ગુનો નોંધી દારૂના જથ્થાના મૂળ સ્ત્રોતથી લઈને તેને મંગાવનાર અને સપ્લાય કરનાર શખ્સો સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. રાજસ્થાનના બુટલેગરો તેમજ ચાંગોદરમાં દારૂ મંગાવનાર બે શખ્સોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે.
અસલાલીથી ચાંગોદર સુધી દારૂના નેટવર્કની ચર્ચા
આ કેસને પગલે અસલાલી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં દારૂના કથિત નેટવર્ક અંગે પણ સવાલો ઉઠ્યા છે. આક્ષેપ મુજબ અસલાલી વિસ્તારમાં ટ્રકમાંથી દારૂનો જથ્થો નાની કારોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ચાંગોદર તરફ મોકલવામાં આવે છે. જોકે આ દાવાઓ અંગે સંબંધિત પોલીસ તંત્રની ભૂમિકા અને હકીકત તપાસનો વિષય છે.
હાલ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપાયેલા ડ્રાઇવરની પૂછપરછના આધારે સમગ્ર દારૂ સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરી છે.










