મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સામાન્ય, મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારોને રાહત આપતો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ 2 કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાવનારા પરિવારોને હવે કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત રાજ્ય સરકાર તરફથી પણ વધારાની સબસિડી મળશે.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નવી જોગવાઈ મુજબ સામાન્ય વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમના નિર્ધારિત ખર્ચના માત્ર 10 ટકા અને અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST)ના લાભાર્થીઓએ માત્ર 5 ટકા રકમ ચૂકવવાની રહેશે. બાકીની રકમ કેન્દ્ર સરકારની સહાય અને લાભાર્થીના ફાળા બાદ રાજ્ય સરકાર સબસિડીરૂપે ભોગવશે.
આ નિર્ણયથી રાજ્યના 3 લાખથી વધુ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને લાભ મળવાની અપેક્ષા છે. આ યોજના પાછળ રાજ્ય સરકાર અંદાજે રૂ. 1,000 કરોડનો ખર્ચ કરશે.
સોલાર રૂફટોપ માટે હવે કેટલો ખર્ચ થશે?
1 કિલોવોટ સિસ્ટમ: કુલ ખર્ચ રૂ. 54,000 સામે સામાન્ય વર્ગે માત્ર રૂ. 5,400 અને SC/ST વર્ગે રૂ. 2,700 ચૂકવવાના રહેશે.
2 કિલોવોટ સિસ્ટમ: કુલ ખર્ચ રૂ. 1,07,200 સામે સામાન્ય વર્ગે માત્ર રૂ. 10,720 અને SC/ST વર્ગે રૂ. 5,360 ચૂકવવાના રહેશે.
અગાઉ 1 કિલોવોટની સિસ્ટમ માટે કેન્દ્ર સરકાર તરફથી રૂ. 32,400 અને 2 કિલોવોટની સિસ્ટમ માટે રૂ. 62,800ની સહાય મળતી હતી. બાકીની રકમ લાભાર્થીએ ચૂકવવી પડતી હતી. હવે રાજ્ય સરકારની વધારાની સબસિડીને કારણે લાભાર્થીઓ પરનો આર્થિક બોજ નોંધપાત્ર રીતે ઘટશે અને વધુ પરિવારોને સોલાર ઊર્જા અપનાવવામાં મદદ મળશે.










