ચોરવાડમાં 25 હજારથી વધુ ગ્રામજનો માટે ભોજન સમારોહ અને ભવ્ય લોકડાયરાનું આયોજન; અંબાણી પરિવારની ત્રણ પેઢીએ જાળવ્યો વતન સાથેનો નાતો
ચોરવાડઃ જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઇશ્યૂના ઐતિહાસિક લિસ્ટિંગની ઉજવણી ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી. બુધવારે રાત્રે યોજાયેલા આ બેવડા કાર્યક્રમમાં 25 હજારથી વધુ ગ્રામજનોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. ત્યારબાદ ગુજરાતના જાણીતા લોકસાહિત્યકારો અને કલાકારોના લોકડાયરાએ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધીરુભાઈ અંબાણી સાથે જોડાયેલી યાદો વાગોળી હતી અને જિયો પ્લેટફોર્મ્સની સફળતાને ધીરુભાઈનાં સ્વપ્નની સિદ્ધિ ગણાવી હતી.
‘અંબાણી પરિવાર માટે જ નહીં, દેશ માટે પણ ગૌરવની વાત’
પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે વૈશ્વિક પ્રગતિનું સ્વપ્ન જોયું હતું, તેને પરિવારની આગામી પેઢીએ આગળ ધપાવ્યું છે. મુકેશ અંબાણી અને તેમનાં સંતાનો આકાશ, ઈશા તથા અનંત અંબાણીએ જિયો પ્લેટફોર્મ્સને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
તેમણે ઉમેર્યું હતું કે જિયોની સફળતા માત્ર અંબાણી પરિવાર માટે જ નહીં, પરંતુ દેશ માટે પણ ગૌરવની બાબત છે. જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઇશ્યૂના લિસ્ટિંગને ધીરુભાઈ અંબાણીના સ્વપ્ન અને પરિવારની મહેનતના પરિણામ તરીકે જોવામાં આવે છે.
1995ની ચોરવાડ મુલાકાતની યાદો તાજી કરી
કાર્યક્રમ દરમિયાન નથવાણીએ વર્ષ 1995માં ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણી સાથે ચોરવાડ તથા કુકસવાડાની ત્રણ દિવસની મુલાકાતની યાદો તાજી કરી હતી. તે સમયના સાથીઓ અને આ મુલાકાતના સાક્ષીઓને પણ તેમણે મંચ પરથી યાદ કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે રિલાયન્સના પ્રારંભિક પબ્લિક ઇશ્યૂ દરમિયાન રોકાણકારોએ ધીરુભાઈ અંબાણી પર જે વિશ્વાસ મૂક્યો હતો, તે વિશ્વાસ આજે પણ અંબાણી પરિવાર પ્રત્યે યથાવત્ હોવાનું જિયોના લિસ્ટિંગને મળેલા પ્રતિસાદ પરથી જોવા મળે છે.
ચોરવાડ સાથેનો સંબંધ આજે પણ અકબંધ
નથવાણીએ ભૂતકાળને યાદ કરતાં કહ્યું હતું કે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સના પબ્લિક ઇશ્યૂ વખતે ચોરવાડના લોકોને પણ શેરધારક બનવાની તક આપી હતી. તેઓ સ્થાનિક લોકોની નાની-મોટી ખુશીઓમાં પણ સહભાગી બનતા હતા.
આજે જિયો પ્લેટફોર્મ્સની સફળતાની ઉજવણીમાં પણ અંબાણી પરિવારે ધીરુભાઈના વતન ચોરવાડને યાદ રાખ્યું છે. પરિવારની બીજી અને ત્રીજી પેઢીએ પણ વતન સાથેનો સંબંધ અને વારસો જાળવી રાખ્યો હોવાનું નથવાણીએ જણાવ્યું હતું.
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અપાયેલી સુવિધાઓનો ઉલ્લેખ
ચોરવાડ અને આસપાસના વિસ્તારોમાં અંબાણી પરિવાર દ્વારા ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનો ઉલ્લેખ કરતાં નથવાણીએ વર્ષ 2017થી કાર્યરત ધીરુભાઈ અંબાણી મેડિકલ અને કમ્પ્યુટર સેન્ટર, એચ.જી. અંબાણી ગર્લ્સ હાઈસ્કૂલ તથા કુકસવાડામાં નવનિર્મિત એચ.જી. અંબાણી હાયર સેકન્ડરી સ્કૂલનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક આપવા બદલ અંબાણી પરિવારનો આભાર માન્યો હતો. સાથે જ રિલાયન્સની પ્રગતિમાં સહયોગ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ રિલાયન્સ અને અંબાણી પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.
લોકડાયરામાં કલાકારોએ જમાવ્યો રંગ
ચોરવાડમાં યોજાયેલા સમૂહ ભોજનમાં 25 હજારથી વધુ ગ્રામજનોએ ભાગ લીધો હતો. ત્યારબાદ યોજાયેલા લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને ઉર્વશીબેન રાદડિયાએ પોતાની આગવી રજૂઆતથી શ્રોતાઓને ઝૂમવા મજબૂર કર્યા હતા.
હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ તળપદી ભાષામાં હાસ્ય અને રમૂજ રજૂ કરીને ઉપસ્થિત લોકોને હસાવ્યા હતા. આ પ્રસંગે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ચોરવાડમાં યોજાયેલી આ ઉજવણી દ્વારા જિયો પ્લેટફોર્મ્સની સફળતાની સાથે ધીરુભાઈ અંબાણીના વતન સાથેના સંબંધો અને અંબાણી પરિવારના વારસાને પણ યાદ કરવામાં આવ્યો હતો.










