બ્રિટિશ નાગરિક પંકજ પટેલની જાહેરહિતની અરજી પર કોર્ટના સવાલો; રાજ્ય સરકારને અડવાન્સ કોપી મોકલવા નિર્દેશ, સુનાવણી 7 ડિસેમ્બર સુધી મુલતવી
અમદાવાદઃ દેશની સામાજિક સ્થિતિ અને શોષિત વર્ગો, મહિલાઓ તથા બાળકોની સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરીને વડોદરાના કરજણમાં રહેતા મૂળ ભારતીય અને બ્રિટિશ નાગરિક પંકજ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી (PIL) દાખલ કરી છે. જોકે, અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજદારના OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા) કાર્ડ અને તેમની કાયદાકીય સ્થિતિ અંગે મહત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા હતા.
અરજદારે દેશની સામાજિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી
પંકજ પટેલે કોર્ટ સમક્ષ જાતે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે તેઓ બ્રિટિશ નાગરિક હોવા છતાં ભારત સાથે ઊંડો સંબંધ ધરાવે છે. તેમના મતે દેશમાં શોષિત વર્ગો, મહિલાઓ અને બાળકો મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. સમાજનો એક વર્ગ કાયદાની પરવા કર્યા વગર વર્તી રહ્યો હોવાની ચિંતા પણ તેમણે વ્યક્ત કરી હતી.
અરજદારે બ્રિટનમાં પોતાના જીવન દરમિયાન રંગભેદનો સામનો કરવો પડ્યો હોવાના અનુભવો પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બ્રિટનમાં તેમને વારંવાર ‘તમારા દેશ પાછા જતા રહો’ જેવી ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિથી કંટાળીને તેમના પિતા ભારત પરત આવ્યા હતા. પિતા એગ્રીકલ્ચર ક્ષેત્રમાં લાયકાત ધરાવતા હોવા છતાં તેમને કારખાનાઓમાં મજૂરી કરવી પડી હતી.
‘દેશની હાલની સ્થિતિ જોઈને દુઃખ થાય છે’
પંકજ પટેલે પોતાની રજૂઆતમાં કહ્યું હતું કે જ્યારે તેઓ ભારત છોડીને ગયા ત્યારે દેશ સુંદર અને કાયદા દ્વારા ચાલતો હતો, પરંતુ હવે પાછા આવ્યા બાદ તેમને સામાજિક સ્થિતિ અંગે નિરાશા થાય છે.
રસ્તા પર વાહનોની અવરજવર વચ્ચે નાના બાળકોને ભીખ માગતા જોઈને દુઃખ થતું હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે દેશ તેમના હૃદયમાં વસે છે અને લોકોની મદદ કરવાની ભાવનાથી જ તેમણે જાહેરહિતની અરજી દાખલ કરી છે.
OCI કાર્ડધારકના અધિકારો અંગે હાઇકોર્ટના સવાલો
બીજી તરફ, એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન રંજન પાઠક અને જસ્ટિસ નિરઝર દેસાઈની ખંડપીઠે અરજદારની OCI કાર્ડધારક તરીકેની કાયદાકીય સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા હતા.
કોર્ટે નોંધ્યું હતું કે OCI કાર્ડધારકને ભારતીય નાગરિક ગણી શકાય નહીં. તેમને ભારતમાં કેટલાક મર્યાદિત અધિકારો મળે છે, પરંતુ ભારતીય નાગરિકોની જેમ મતદાનનો અધિકાર મળતો નથી. આવી સ્થિતિમાં દેશના નાગરિકોને અસર કરતા મુદ્દાઓ પર તેઓ કયા કાનૂની આધારે જાહેરહિતની અરજી કરી શકે છે, તે સ્પષ્ટ કરવું જરૂરી હોવાનું કોર્ટે જણાવ્યું હતું.
સરકારી પક્ષે પણ વિદેશી નાગરિક દ્વારા PIL દાખલ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
અડવાન્સ કોપી મોકલવા નિર્દેશ, સુનાવણી 7 ડિસેમ્બરે
સુનાવણી દરમિયાન સામે આવ્યું હતું કે અરજદારે અરજીની અડવાન્સ કોપી રાજ્ય સરકાર અને સંબંધિત સરકારી વિભાગોને અગાઉથી મોકલી નહોતી. આથી હાઇકોર્ટે તેમને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા અને સામા પક્ષકારોને અરજીની નકલ મોકલવા નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે આ મામલે વધુ સુનાવણી આગામી 7 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે. હવે આગામી સુનાવણીમાં અરજદારની કાયદાકીય પાત્રતા અને અરજી અંગેના અન્ય મુદ્દાઓ પર શું રજૂઆત થાય છે તેના પર નજર રહેશે.










