સપ્તાહ દરમિયાન સીંગતેલના ડબ્બે રૂ.10થી 15 અને કપાસિયા તેલના ડબ્બે રૂ.20નો ઉછાળો; દિવાળી બાદ મગફળીનું પિલાણ વધતાં ભાવમાં ઘટાડાની શક્યતા
ચાલુ વર્ષે મગફળીના ઉત્પાદન અંગેના અંદાજમાં ફેરફાર અને બજારમાં મગફળીની આવક વચ્ચે ખાદ્યતેલના ભાવમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. યાર્ડ અને ઓઈલમિલોમાં નવી મગફળીની આવક શરૂ થઈ હોવા છતાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી મીલરો દ્વારા ખરીદી મર્યાદિત રાખવામાં આવી રહી છે. તેની અસર સીંગતેલ અને કપાસિયા તેલના બજાર પર જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં સીંગતેલના ડબ્બે રૂ.10થી 15 અને કપાસિયા તેલના ડબ્બે રૂ.20નો વધારો નોંધાયો છે.
ભેજવાળી મગફળીના કારણે મીલરોની ખરીદી ઓછી
હાલમાં યાર્ડ અને ઓઈલમિલોમાં નવી મગફળીની આવક થઈ રહી છે, પરંતુ મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી મીલરો સાવચેતીપૂર્વક ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ, કેટલીક મીલો જૂની અને નવી મગફળી મિક્સ કરીને પિલાણ કરી રહી છે, જેના કારણે બજારમાં સીંગતેલનો પુરવઠો જળવાઈ રહ્યો છે.
કેટલીક ઓઈલમિલોએ દશેરાના શુભ મુહૂર્તથી પિલાણ શરૂ કરી દીધું છે, જ્યારે અન્ય મીલો દ્વારા ધનતેરસથી પિલાણ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
દિવાળી બાદ પિલાણ વધવાની શક્યતા
વેપારી વર્તુળોના અંદાજ મુજબ, દિવાળી બાદ મીલરો પાસે સુકી મગફળીનો જથ્થો આવવા લાગશે. મગફળીની ગુણવત્તા અને ઉપલબ્ધતા વધતાં ઓઈલમિલોનું પિલાણ પણ સંપૂર્ણ ક્ષમતાએ શરૂ થઈ શકે છે. પિલાણમાં વધારો થતાં બજારમાં સીંગતેલનો પુરવઠો વધવાની અને તેના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલના અંદાજ પ્રમાણે, મીલો દ્વારા સંપૂર્ણ ક્ષમતાએ પિલાણ શરૂ થયા બાદ સીંગતેલના ભાવમાં રૂ.30થી 40 સુધીનો ઘટાડો થઈ શકે છે. જોકે, આ ઘટાડો મગફળીની આવક, ગુણવત્તા અને બજારની માંગ પર આધારિત રહેશે.
અન્ય ખાદ્યતેલના ભાવ સ્થિર
બીજી તરફ પામતેલ, સોયાતેલ અને સૂર્યમુખી તેલ સહિતના સાઇડ તેલના ભાવમાં હાલ કોઈ મોટી વધઘટ જોવા મળી રહી નથી. દિવાળીનો તહેવાર નજીક હોવા છતાં તેલના બજારમાં ખરીદીની ખાસ ચહલપહલ જોવા મળતી નથી. વેપારીઓ આગામી દિવસોમાં મગફળીની આવક અને ઓઈલમિલોના પિલાણની ગતિ પર નજર રાખી રહ્યા છે.









