ધોરાજીના સરદાર ચોકમાંથી 9.5 કિલો ગાંજા સાથે જામજોધપુરની બેલડી ઝડપાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો લાવ્યાની કબૂલાત; રૂ.4.99 લાખનો મુદ્દામાલ જપ્ત, માલ મંગાવનાર શખસની શોધખોળ

ધોરાજીના સરદાર ચોક વિસ્તારમાંથી રૂરલ એસઓજીની ટીમે આશરે 9.5 કિલો ગાંજાના જથ્થા સાથે જામજોધપુરના બે શખસોની ધરપકડ કરી છે. પોલીસે ગાંજાની કિંમત રૂ.4,89,850 આંકી છે. મોબાઇલ ફોન સહિત કુલ રૂ.4,99,850નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બંને શખસો ઓરિસ્સાથી ગાંજો લાવ્યા હોવાનું સામે આવ્યું છે. હવે આ જથ્થો કોના માટે લાવવામાં આવ્યો હતો અને તેની સપ્લાય કોને કરવાની હતી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ચોક્કસ બાતમીના આધારે એસઓજીનો દરોડો

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં માદક પદાર્થોની હેરાફેરી અને સેવન કરતા શખસો સામે ‘સે નો ટુ ડ્રગ્સ મિશન’ અંતર્ગત કડક કાર્યવાહી કરવા એસપી વિજયસિંહ ગુર્જરે સૂચના આપી હતી. આ સૂચનાના પગલે રૂરલ એસઓજી પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીદારો મારફતે માહિતી એકત્રિત કરી હતી.

દરમિયાન ધોરાજીના સરદાર ચોક વિસ્તારમાં બે શખસો માદક પદાર્થના જથ્થા સાથે આવવાના હોવાની ચોક્કસ બાતમી મળતાં એસઓજીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી વોચ ગોઠવી હતી.

શંકાસ્પદ કોથળાની તપાસમાં ગાંજો મળી આવ્યો

વોચ દરમિયાન બે શખસો શંકાસ્પદ કોથળા સાથે સરદાર ચોકમાં આવતા પોલીસે બંનેને કોર્ડન કરી લીધા હતા. તેમની પાસે રહેલા કોથળાની તપાસ કરતાં અંદરથી આશરે 9.500 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી કાસમ જુમા સમા અને અશ્વિન ગિરધર ભાલોડિયા (બંને રહે. જામજોધપુર)ની ધરપકડ કરી હતી.

આ મામલે ધોરાજી સિટી પોલીસ મથકમાં બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગાંજો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.4,99,850નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો લાવ્યાની કબૂલાત

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને શખસોએ ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો લાવ્યા હોવાનું જણાવ્યું છે. તેઓ રાજકોટ રેલવે સ્ટેશન પર ઊતર્યા બાદ બસ મારફતે ધોરાજી પહોંચ્યા હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે.

પોલીસને શંકા છે કે બંને શખસો ધોરાજીમાં ગાંજાની ડિલિવરી આપવા આવ્યા હતા. જોકે, પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગાંજાની ડિલિવરી રાજકોટમાં કરવાની હતી, પરંતુ પોલીસ ચેકિંગના ડરથી ધોરાજી તરફ આવી ગયા હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

હવે ગાંજો મંગાવનાર શખસ કોણ છે, ઓરિસ્સાથી આ જથ્થો કોના મારફતે મોકલવામાં આવ્યો હતો અને સ્થાનિક સ્તરે કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai