મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં રાજ્યસ્તરીય પરિષદ મળી; વસ્તી ગણતરી માટે ડિજિટલ સાધનો, તાલીમ, પ્રશ્નાવલી અને પ્રચાર-પ્રસારની વ્યૂહરચના અંગે ચર્ચા
ગુજરાતમાં જનગણના 2027ના બીજા તબક્કા એટલે કે વસ્તી ગણતરીની કામગીરી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગરમાં ગુજરાત રાજ્યસ્તરીય મુખ્ય જનગણના અધિકારીઓની પરિષદ મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા સ્તરના સંબંધિત હિતધારકોએ વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો. પરિષદમાં બીજા તબક્કાની કામગીરીનું આયોજન, તાલીમ અને અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
જનગણના કાર્ય નિર્દેશાલયે કામગીરીની રૂપરેખા રજૂ કરી
પરિષદની શરૂઆતમાં જનગણના કાર્ય નિર્દેશાલય, ગુજરાતનાં નિયામક સુજલ જે. મયાત્રાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે બીજા તબક્કા હેઠળ હાથ ધરાનારી વસ્તી ગણતરીની કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી. ત્યારબાદ ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે વર્ચ્યુઅલ માધ્યમથી અધિકારીઓને સંબોધન કર્યું હતું.
તેમણે ગુજરાતમાં ઘરયાદીની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ રાજ્યના મુખ્ય સચિવ અને વહીવટી તંત્રની પ્રશંસા કરી હતી. સાથે જ દેશના વિકાસ અને પુરાવા આધારિત નીતિ ઘડતરમાં જનગણનાના આંકડાઓનું મહત્ત્વ સમજાવ્યું હતું.
સ્વ-ગણતરીમાં નાગરિકોની ભાગીદારી વધારવા અપીલ
જનગણનાના બીજા તબક્કાને સફળ બનાવવા માટે જાહેર સહભાગિતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને સ્વ-ગણતરીની પ્રક્રિયામાં વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભારતના રજિસ્ટ્રાર જનરલે આ કામગીરીમાં રાજ્ય સરકારનો સંપૂર્ણ સહયોગ જરૂરી હોવાનું જણાવી સહકારની અપીલ કરી હતી.
ચોકસાઈ અને આયોજનને મુખ્ય સચિવે આપ્યું પ્રાધાન્ય
મુખ્ય સચિવ એમ. કે. દાસે પોતાના સંબોધનમાં જનગણનાના આંકડાઓની ચોકસાઈ અને અદ્યતન આયોજનનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જનગણના વિશ્વના સૌથી મોટા વહીવટી કવાયતરૂપ કાર્યક્રમોમાંની એક છે. તેના દ્વારા એકત્રિત થતી માહિતીનો ઉપયોગ શાળાઓ, આંગણવાડીઓ, રોજગાર, શહેરી આયોજન અને ગરીબી નાબૂદી સહિતનાં અનેક ક્ષેત્રોમાં નીતિઓ ઘડવા માટે થાય છે.
તેમણે જનગણનાના આંકડાઓને અસરકારક આયોજન અને કલ્યાણલક્ષી સુશાસનનો પાયો ગણાવતાં રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સાથે જ તમામ મુખ્ય જનગણના અધિકારીઓને આ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અને તેની સફળ પૂર્ણતા માટે વ્યક્તિગત ધ્યાન રાખવા સૂચના આપી હતી.
ડિજિટલ સાધનો અને તાલીમ અંગે ટેકનિકલ સત્રો
પરિષદ દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ અને જનગણના કાર્ય નિર્દેશાલય, ગુજરાતના રાષ્ટ્રીય તાલીમકારો દ્વારા વિવિધ ટેકનિકલ સત્રો યોજવામાં આવ્યાં હતાં. તેમાં કામગીરીની રૂપરેખા, તાલીમનું માળખું, જનગણના સંબંધિત વિભાવનાઓ અને વ્યાખ્યાઓ, પ્રશ્નાવલી તથા બીજા તબક્કામાં ઉપયોગમાં લેવાનાં ડિજિટલ સાધનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જનગણનાનું કાનૂની માળખું, કામગીરી સંબંધિત માર્ગદર્શિકા અને મીડિયા દ્વારા પ્રચાર-પ્રસારની વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ગુણવત્તા અને ચોકસાઈ સાથે કામગીરી પૂર્ણ કરવાનો નિર્ધાર
પરિષદનો સમાપન સત્ર પરસ્પર ચર્ચા અને આભારવિધિ સાથે થયો હતો. આ પ્રસંગે રાજ્યના વહીવટી તંત્રે જનગણના 2027ની કામગીરી ગુણવત્તા, કાર્યક્ષમતા અને ઉચ્ચતમ ચોકસાઈ સાથે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હવે બીજા તબક્કાની કામગીરીને સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે જિલ્લા તથા સ્થાનિક સ્તરે આયોજન અને સંકલન પર ભાર મૂકવામાં આવશે.









