સલાયા સ્થિત ઈન્ડિયન સેઈલિંગ વેસલ્સ એસોસિએશને અમેરિકી રાજદૂતને પત્ર લખ્યો; દરિયાઈ માર્ગે સુરક્ષિત પસાર થવા વિશેષ વ્યવસ્થા કરવાની માગ
સલાયાઃ હોર્મુઝની ખાડીમાં પ્રાદેશિક સંઘર્ષને પગલે ભારતીય પરંપરાગત માલવાહક વહાણો અને તેમાં સવાર ખલાસીઓની સુરક્ષાનો પ્રશ્ન ગંભીર બન્યો છે. આ મુદ્દે ઈન્ડિયન સેઈલિંગ વેસલ્સ એસોસિએશન (ISVA) દ્વારા 3 નવેમ્બર, 2026ના રોજ ભારતમાં અમેરિકાના રાજદૂતને પત્ર લખીને ભારતીય પરંપરાગત વહાણો (ધાઉઝ/MSV)ને હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવા માટે સહયોગની માગ કરવામાં આવી છે.
એસોસિએશન દ્વારા પત્રમાં જણાવાયું છે કે ફેબ્રુઆરી 2026થી પ્રાદેશિક સંઘર્ષની સ્થિતિ વચ્ચે ડ્રોન અથવા મિસાઇલ હુમલાની આશંકાને કારણે અંદાજે ચારથી પાંચ ભારતીય વહાણો પ્રભાવિત થયાં છે. આ પરિસ્થિતિના કારણે ભારતીય ખલાસીઓના જીવ સામે જોખમ ઊભું થયું છે, જ્યારે વહાણમાલિકો અને તેમના પરિવારોની આજીવિકા પણ પ્રભાવિત થઈ રહી છે.
ત્રણ લાખ લોકોની રોજીરોટીનો પ્રશ્ન
પરંપરાગત વહાણ વ્યવસાય સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે ત્રણ લાખ લોકો જોડાયેલા હોવાનું એસોસિએશને જણાવ્યું છે. ખાસ કરીને ગુજરાત સહિત ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા નાના અને મધ્યમ વર્ગના પરિવારોની આજીવિકા આ વ્યવસાય પર નિર્ભર છે. દરિયાઈ માર્ગમાં ઊભી થયેલી અસુરક્ષાને કારણે આ પરિવારોમાં ચિંતા વધી છે.
એસોસિએશને અમેરિકી રાજદૂત સમક્ષ ભારતીય વહાણો માટે સુરક્ષિત દરિયાઈ માર્ગની વ્યવસ્થા કરવાની માગ કરી છે. આ ઉપરાંત, વહાણોની અગાઉથી નોંધણી, AIS અને VHF સંચાર પ્રણાલી ચાલુ રાખવાની વ્યવસ્થા, દિવસના સમયે દરિયાઈ માર્ગ પસાર કરવાની સુવિધા તથા કટોકટીના સમયે સંપર્ક થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.
અમેરિકી રાજદૂત સાથે તાત્કાલિક મુલાકાતની માગ
પત્રમાં આ મુદ્દે ચર્ચા કરવા અમેરિકાના રાજદૂત સાથે તાત્કાલિક મુલાકાતનો સમય આપવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ સંબંધિત આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને ભારતીય પરંપરાગત વહાણો માટે સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી છે.
એસોસિએશનનો મુખ્ય હેતુ ભારતીય ખલાસીઓના જીવનું રક્ષણ કરવું, નાના વહાણમાલિક પરિવારોની આજીવિકા જાળવવી અને ભારતની વર્ષો જૂની દરિયાઈ વેપાર પરંપરાને સુરક્ષિત રાખવાનો છે. ઈન્ડિયન સેઈલિંગ વેસલ્સ એસોસિએશન વતી જનરલ સેક્રેટરી આદમ ભાયા દ્વારા આ પત્ર પાઠવવામાં આવ્યો છે.
જુસુફી વહાણના એક ખલાસીનું મોત, 13 સલામત
દરમિયાન, જુસુફી વહાણમાં સવાર સલાયાના ખલાસીઓ અંગે મળેલી માહિતી મુજબ, વહાણમાં કુલ 14 ખલાસીઓ સવાર હતા. આ ઘટનામાં નહીમ અઝીઝ ગંધારનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 13 ખલાસીઓ હાલ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. અન્ય ખલાસીઓને ગંભીર ઈજાઓ થઈ નથી અને સામાન્ય ઈજાઓ માટે ઓમાન સરકાર દ્વારા સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વહાણમાં સવાર ખલાસીઓમાં સલીમ અબ્દુલ્લા સુંભણીયા (ટંડેલ), અસગર સલીમ ચમડીયા, અસગર જુમા જાડેજા, હનીફ સિદ્દીક જસરાયા, ઝાહિર જુસબ સંધિ, કાસમ કરીમ કારા, મહેબૂબ ઓસમાણ ચમડિયા, મામદ અઝીઝ ભગાડ, મેરાજ જુસબ સંઘાર, મુસ્લિમ રસીદ ગંધાર, નહીમ અઝીઝ ગંધાર (મૃતક), નાસિર નઝીર ભગાડ, શબીર હુશેન અબ્દુલ ભાયા અને તાલબ રસીદ ગંધારનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, મૃતક ખલાસીની દફનવિધિ ઓમાનમાં જ કરવામાં આવશે. જ્યારે બાકીના 13 ખલાસીઓને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વતન પરત લાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.
હોર્મુઝની ખાડીમાં વધતી દરિયાઈ અસુરક્ષાને પગલે ભારતીય પરંપરાગત વહાણો અને તેમાં કામ કરતા ખલાસીઓની સુરક્ષા માટે હવે રાજદ્વારી સ્તરે સહયોગની જરૂરિયાત ઊભી થઈ છે. એસોસિએશનની રજૂઆત બાદ આ દિશામાં શું પગલાં લેવાય છે તેના પર વહાણમાલિકો અને ખલાસી પરિવારોની નજર રહેશે.









