શાપર પોલીસનો સપાટો: મોબાઈલ ટાવરના મોંઘા રેડિયો યુનિટ ચોરતી ગેંગ ઝડપાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ-અમદાવાદમાં ટાવરોને નિશાન બનાવ્યા, ચોરેલા ડિવાઈસ દિલ્હી મારફતે વિદેશ મોકલાતાં હોવાનો ખુલાસો

રાજકોટ: શાપર પોલીસે મોબાઈલ ટાવર પર લગાવવામાં આવેલા AZNA રિમોટ રેડિયો યુનિટની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજકોટ, ચોટીલા અને જસદણના ત્રણ આરોપીઓની ધરપકડ કરી ચોરીના બે રેડિયો યુનિટ સહિત કાર, મોબાઈલ અને ચોરીના સાધનો કબજે કર્યા છે.

શાપર વિસ્તારમાં ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવર પરથી નોકિયા કંપનીના આશરે રૂ.1.20 લાખની કિંમતના બે AZNA રિમોટ રેડિયો યુનિટ ચોરાયા હતા. આરોપીઓ ટાવર પર ચડી વાયરિંગ કાપીને યુનિટ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાની તપાસ દરમિયાન પોલીસને ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મહત્વની કડી મળી હતી.

પોલીસે જયદીપ બાવળીયા, રાહુલ સતવાણી અને ધર્મેશ મેવાસિયાની ધરપકડ કરી છે. તેમની પાસેથી બે AZNA રિમોટ રેડિયો યુનિટ ઉપરાંત કાર, મોબાઈલ ફોન, કાપણીનાં સાધનો અને ડિસમીસ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે.

દિલ્હી મારફતે વિદેશ મોકલાતા હતા ડિવાઈસ

પૂછપરછમાં આરોપીઓએ અમદાવાદ અને રાજકોટ સહિતના વિસ્તારોમાંથી ચોરેલા ડિવાઈસ કુરીયર મારફતે દિલ્હી મોકલતા હોવાનું જણાવ્યું છે. ત્યારબાદ દિલ્હીમાં રહેલા મળતીયાઓ મારફતે આ ડિવાઈસ વિદેશમાં મોકલવામાં આવતા હોવાની માહિતી પોલીસને મળી છે.

જીવના જોખમે ચાલુ વીજળી વચ્ચે ચોરી

આરોપીઓ મોબાઈલ ટાવર પર નેટવર્ક માટે લગાવવામાં આવેલા સંવેદનશીલ રેડિયો યુનિટની ચોરી માટે ચાલુ વીજપ્રવાહ વચ્ચે ઇલેક્ટ્રિક વાયર કાપતા હતા. છેલ્લા બે મહિનાથી આ રીતે ચોરી કર્યાની કબૂલાત સામે આવી છે.

રાજકોટ-અમદાવાદના અનેક ટાવરો નિશાન પર

પોલીસ તપાસમાં અમદાવાદ રિંગ રોડ, રાજકોટ-મોરબી રોડ, આજીડેમ, માનસરોવર, કોઠારિયા, ભાવનગર રોડ, રાજકોટ-કાલાવડ રોડ અને ન્યૂ 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાંથી રેડિયો યુનિટ ચોર્યાની વિગતો સામે આવી છે.

શાપર પોલીસ હવે ગેંગના અન્ય સાગરીતો, દિલ્હી કનેક્શન અને ચોરાયેલા ડિવાઈસ વિદેશમાં કોને મોકલવામાં આવતા હતા તે અંગે વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai