કનસુમરા પાટિયા નજીક રહેતી બાળકીની હાલત સ્થિર; જીજી હોસ્પિટલમાં શંકાસ્પદ કેસોની સંખ્યા 13 પર પહોંચી
જામનગરના કનસુમરા પાટિયા નજીક આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતી ત્રણ વર્ષની બાળકીમાં ચાંદીપુરા જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં તેને સારવાર માટે સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે સાંજે બાળકીની તબિયતમાં ચાંદીપુરા સંબંધિત લક્ષણો જણાતા પરિવારજનો તેને તાત્કાલિક જીજી હોસ્પિટલ લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા જરૂરી તબીબી તપાસ હાથ ધરવામાં આવી છે અને બાળકીને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે.
હાલ તબીબોના જણાવ્યા મુજબ બાળકીની સ્થિતિ સ્થિર છે અને તેની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. જરૂરી સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે.
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જીજી હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસોની સંખ્યા હવે 13 પર પહોંચી છે.
આ 13 શંકાસ્પદ કેસોમાંથી 1 કેસ પોઝિટિવ, 11 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 1 દર્દીનો રિપોર્ટ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.
નવી બાળકીનો રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરાની પુષ્ટિ થઈ શકશે. હાલ તેને શંકાસ્પદ કેસ તરીકે તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.










