જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોકટરો પાસે નિયમ કરતાં વધુ કામ કરાવાતું હોવા તથા પૂરતી ઊંઘ અને ખોરાક ન મળતા હોવાના આક્ષેપોને કોલેજના ડીને પાયાવિહોણા ગણાવી નકાર્યા છે.
બેનામી ફરિયાદ મળ્યા બાદ કોલેજ વહીવટી તંત્રે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ડીન ડો. નંદિની દેસાઈના જણાવ્યા મુજબ, કોલેજના તમામ 22 વિભાગના વડાઓ પાસેથી અહેવાલ માંગવામાં આવ્યો હતો. તમામ વિભાગોના અહેવાલમાં આક્ષેપોમાં કોઈ તથ્ય ન હોવાનું સામે આવ્યું છે.
ડીને જણાવ્યું કે રેસિડેન્ટ ડોકટરોની પૂરતી કાળજી રાખવામાં આવે છે અને મહિનાઓ સુધી રજા ન મળતી હોવાના આક્ષેપો પણ ખોટા છે.
વિદ્યાર્થીઓની ફરિયાદ માટે ખાસ વ્યવસ્થા
વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ નિર્ભયતાથી રજૂ કરી શકે તે માટે કોલેજમાં QR કોડ સિસ્ટમ, ડીનની ઈ-મેલ આઈડી અને મેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધી આવી કોઈ ફરિયાદ મળી નથી.
ડીને સ્પષ્ટ કર્યું કે ભવિષ્યમાં જો કોઈ વાસ્તવિક સમસ્યા સામે આવશે તો તેની નિયમ મુજબ તપાસ કરી જરૂરી કડક કાર્યવાહી કરવામાં આવશે.










