ચોમાસાની શરૂઆત સાથે ગુજરાતના જાણીતા ધોધોમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. ગિરમાળ, ગીરા, ઝાંઝરી, નિનાઈ, જમજીર અને ઝરવાણી જેવા ધોધો સક્રિય થતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જોકે, વધતા પાણીના પ્રવાહને કારણે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે.
ઝાંઝરી ધોધ આસપાસ 5 કિમી વિસ્તાર પ્રતિબંધિત
અરવલ્લીના ઝાંઝરી ધોધ ખાતે જિલ્લા વહીવટી તંત્રે 9 જુલાઈથી 6 સપ્ટેમ્બર સુધી ઝાંઝરી ધોધથી ગંગેશ્વર મહાદેવ ચેકડેમ સુધીનો આશરે 5 કિલોમીટર વિસ્તાર પ્રતિબંધિત જાહેર કર્યો છે.
આ સમયગાળા દરમિયાન નદીમાં નાહવા, પાણીના કિનારે જવા તેમજ જોખમી ખડકો પર ચઢીને સેલ્ફી, ફોટોગ્રાફી કે વીડિયો બનાવવા પર પ્રતિબંધ રહેશે.
તહેવારો અને જાહેર રજાઓ દરમિયાન પ્રવાસીઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્રનો મુખ્ય હેતુ પ્રવાસીઓની સુરક્ષા જાળવવાનો અને વરસાદી પાણીના ધસમસતા પ્રવાહને કારણે થતા અકસ્માતોને રોકવાનો છે.










