મધરાતથી ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઊઠ્યું સોમનાથ : 4 વાગ્યાથી દર્શન શરૂ
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મધરાતથી જ મંદિર બહાર ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર પરિસર ‘હર હર મહાદેવ’ તથા ‘જય સોમનાથ’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.
ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અગાઉથી જ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રે 3 વાગ્યાથી મંદિર પરિસરના દ્વાર યાત્રીઓ માટે ખોલવામાં આવ્યા હતા, જ્યારે સવારે 4 વાગ્યાથી દર્શન શરૂ કરવામાં આવ્યા હતા. યાત્રીઓ પોતાનો સામાન કાઉન્ટર પર જમા કરાવી સરળતાથી દર્શન માટે આગળ વધી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ હતી.
રાત્રે 3 વાગ્યાથી સુવિધાઓ શરૂ
દૂર-દૂરથી આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સામાન કાઉન્ટર, પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓ વહેલી સવારે જ કાર્યરત કરી દેવામાં આવી હતી. પોલીસ અને ટ્રસ્ટના અધિકારીઓ-કર્મચારીઓ પણ સમગ્ર વ્યવસ્થાનું સતત નિરીક્ષણ કરતા રહ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓની હાજરીમાં યાત્રાળુઓ માટે વ્યવસ્થા સુચારુ રાખવામાં આવી હતી.
101 કિલો પુષ્પોથી ‘હનુમંત દર્શન’ શૃંગાર
શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવને વિશેષ ‘હનુમંત દર્શન શૃંગાર’ કરવામાં આવ્યો હતો. ભગવાન સોમનાથને ગુલાબ, સેવંતી, આસોપાલવ અને ગલગોટા સહિતના આશરે 101 કિલોગ્રામ વિવિધ પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા.
ચંદન, બિલ્વપત્ર અને પીળાં પુષ્પોની મદદથી ભગવાન હનુમાનજીની દિવ્ય પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. હરિ અને હર વચ્ચેના આધ્યાત્મિક એકતાના સંદેશ સાથે કરાયેલા આ વિશેષ શૃંગારે શ્રદ્ધાળુઓને ભાવવિભોર કરી દીધા હતા.
‘હરિહર ચંદન શૃંગાર’માં વિષ્ણુ-શિવનું દિવ્ય સ્વરૂપ
પવિત્ર પુત્રદા એકાદશીના પર્વે સોમનાથ મહાદેવને ‘હરિહર ચંદન શૃંગાર’ પણ કરવામાં આવ્યો હતો. ચંદનના લેપથી જ્યોતિર્લિંગ પર મહાદેવને ધ્યાનમુદ્રામાં દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે હૃદયના ભાગે ભગવાન વિષ્ણુના શંખ, ચક્ર, ગદા અને પદ્મ સાથે શ્રીકૃષ્ણનું સ્વરૂપ અંકિત કરવામાં આવ્યું હતું.
સોમનાથમાં યોજાયેલા આ વિશેષ શૃંગાર અને દિવ્ય દર્શનનો લાભ લઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાન મહાદેવના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.










