હવે એક ક્લિકે જાણી શકાશે કઈ શાળા કેટલી શ્રેષ્ઠ? વિદ્યાર્થીઓની પ્રગતિ પર પણ રહેશે નજર
ગુજરાતમાં વાલીઓ માટે શાળાની પસંદગી વધુ સરળ બનવા જઈ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબરના બીજા અઠવાડિયા સુધીમાં રાજ્યની 54,000થી વધુ શાળાઓનાં ઓનલાઈન રિપોર્ટ કાર્ડ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ રિપોર્ટના આધારે વાલીઓ વિવિધ શાળાઓના શિક્ષણ સ્તર, સુવિધાઓ અને પ્રવૃત્તિઓની એક ક્લિકમાં સરખામણી કરી શકશે.
ચાલુ શૈક્ષણિક વર્ષથી સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓનું મૂલ્યાંકન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF) મુજબ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત બોર્ડ ઉપરાંત CBSE, ICSE, કેમ્બ્રિજ અને IB સહિતના તમામ બોર્ડની શાળાઓ માટે આ મૂલ્યાંકન પ્રક્રિયા લાગુ પડશે.
વિદ્યાર્થીઓ માટે પણ ડિજિટલ પ્રગતિ રિપોર્ટ
વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ પર સતત નજર રાખવા માટે CISCE દ્વારા ‘SHINE 2026’ નામનો ડિજિટલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેનો હેતુ માત્ર પરીક્ષામાં મળેલા ગુણ નહીં, પરંતુ બાળકની વાસ્તવિક શૈક્ષણિક સમજ અને તેને કયા ક્ષેત્રમાં વધારાની મદદની જરૂર છે તે ઓળખવાનો છે.
આ પ્રોજેક્ટ હેઠળ ધોરણ 4, 6 અને 9ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અનુક્રમે ધોરણ 3, 5 અને 8ની શીખવાની ક્ષમતાના આધારે કરવામાં આવશે. ધોરણ 4 માટે ગેમ આધારિત એસેસમેન્ટ, જ્યારે ધોરણ 6 અને 9 માટે ડિજિટલ પરીક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે.
શાળા અને વિદ્યાર્થી બંનેનો અલગ રિપોર્ટ
મૂલ્યાંકન બાદ દરેક શાળા તેમજ વિદ્યાર્થી માટે અલગ-અલગ વિગતવાર રિપોર્ટ તૈયાર થશે. તેના આધારે શિક્ષકો જાણી શકશે કે વિદ્યાર્થીની કયા વિષયમાં સારી પકડ છે અને કયા ક્ષેત્રમાં વધારાના માર્ગદર્શનની જરૂર છે.
આ અગાઉના પાયલોટ પ્રોજેક્ટમાં 273 શાળાના આશરે એક લાખ વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમાં વિદ્યાર્થીઓની વિષય સમજ, તાર્કિક ક્ષમતા અને સામાજિક-લાગણીશીલ વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ નવી વ્યવસ્થાથી વાલીઓને શાળાની પસંદગી માટે વધુ પારદર્શક માહિતી મળશે, જ્યારે શિક્ષકોને વિદ્યાર્થીઓની નબળાઈ ઓળખીને સમયસર શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં મદદ મળશે.










