શારજાહથી આવેલી ભાવનગરની 31 વર્ષીય મહિલા પાસેથી 499 ગ્રામથી વધુ સોનાની ચેઈન જપ્ત
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની તસ્કરીનો પર્દાફાશ કરતા રૂ.83.14 લાખનું સોનું જપ્ત કર્યું છે. શારજાહથી આવેલી ભાવનગરની 31 વર્ષીય મહિલા મુસાફરની શંકાસ્પદ હિલચાલને આધારે સઘન તપાસ કરવામાં આવતા આ સોનું મળી આવ્યું હતું.
કસ્ટમ્સ અધિકારીઓની તપાસમાં મહિલાના હાઈ-નેક સ્વેટરમાં છુપાવેલી 24 કેરેટ શુદ્ધતાની 499.540 ગ્રામ સોનાની ચેઈન મળી આવી હતી. અધિકારીઓએ સોનાનો જથ્થો કબજે કરીને કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
તસ્કરીના નેટવર્ક અંગે તપાસ
સોનાની જપ્તી બાદ મહિલા મુસાફરની અટકાયત કરવામાં આવી હતી. કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવી છે. જોકે, આ સોનું કોના માટે લાવવામાં આવ્યું હતું અને તેની પાછળ કોઈ મોટું તસ્કરી નેટવર્ક સક્રિય છે કે કેમ તે અંગે કસ્ટમ્સ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.










