કલેક્ટર આજે સાંજે રિવ્યુ બેઠક યોજશે; આ સપ્તાહમાં મેળાનું આકર્ષક નામ જાહેર થશે
રાજકોટ: રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટરતંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા આયોજિત પાંચ દિવસીય જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
લોકમેળાની તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ દ્વારા આજે સાંજે 6 વાગ્યે કલેક્ટર કચેરી ખાતે ખાસ રિવ્યુ બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં મેળાની વ્યવસ્થા, સુરક્ષા, સ્ટેજ, સ્ટોલ અને અન્ય કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.
આ સપ્તાહમાં મેળાનું નામ જાહેર થશે
લોકમેળાને વધુ આકર્ષક અને આગવી ઓળખ આપવા માટે વહીવટીતંત્ર દ્વારા તેનું વિશેષ નામ નક્કી કરવામાં આવી રહ્યું છે. આગામી બે-ચાર દિવસમાં એટલે કે ચાલુ સપ્તાહ દરમિયાન જ મેળાનું આકર્ષક નામ જાહેર કરવામાં આવશે.
દરમિયાન રેસકોર્ષ ગ્રાઉન્ડમાં મુખ્ય સ્ટેજ, વિવિધ સ્ટોલ અને મુલાકાતીઓ માટેના વિશ્રામ મંડપ સહિતની કામગીરી ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે.
અવનવી રાઇડ્સ સાથે મનોરંજનનો ધમધમાટ
લોકમેળાના ગ્રાઉન્ડમાં ટોરાટોરા, ચકડોળ, ફજતફાળકા સહિતની વિવિધ રાઇડ્સ ઉભી કરવામાં આવી રહી છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં લોકો માટે મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ગોપાલ ભરવાડથી સાત્વની ત્રિવેદી સુધી કલાકારોની રમઝટ
મેળાના પાંચ દિવસ દરમિયાન લોકસાહિત્ય અને ગુજરાતી સંસ્કૃતિ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગોપાલ ભરવાડ, રાજભા ગઢવી, સાત્વની ત્રિવેદી સહિતના જાણીતા કલાકારો લોકસાહિત્ય અને સંગીતનો રસથાળ પીરસશે.
જન્માષ્ટમીના પર્વને અનુલક્ષીને યોજાનારો આ લોકમેળો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે વહીવટીતંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.










