અમદાવાદ શહેરને સુરક્ષિત શહેર તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ 112 ઈમરજન્સી હેલ્પલાઈનના પોલીસ લોગમાં નોંધાયેલા આંકડા શહેરની અલગ જ તસવીર રજૂ કરે છે. જાહેર માર્ગો, રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ વિસ્તારોમાં ઝઘડા તથા હિંસાની ઘટનાઓનું પ્રમાણ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે.
ઓગસ્ટ 2025ના અંતમાં શરૂ થયેલી 112 ઈમરજન્સી હેલ્પલાઈનના 334 દિવસના ડેટા મુજબ જુલાઈ 2026 સુધીમાં અમદાવાદમાં કુલ 2,10,593 ઈમરજન્સી કૉલ નોંધાયા હતા. તેમાંથી 1,00,081 કૉલ શારીરિક માથાકૂટ, જાહેર ઝઘડા અને હિંસક હુમલાઓ સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું છે.
દર 4.8 મિનિટે એક હિંસક ઝઘડાનો કૉલ
આ આંકડા પ્રમાણે અમદાવાદમાં સરેરાશ દર 4.8 મિનિટે એક હિંસક ઝઘડાની ફરિયાદ 112 પર પહોંચી છે. એટલે કે 24 કલાકમાં સરેરાશ દર કલાકે 12થી 13 હિંસા સંબંધિત કૉલ પોલીસને મળ્યા છે.
આ આંકડા શહેરના જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારોમાં થતી માથાકૂટ તથા હિંસાની ગંભીરતા તરફ ઈશારો કરે છે.
112ના આંકડાએ સુરક્ષાની છબી સામે સવાલો ઊભા કર્યા
ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ સામાન્ય રીતે શાંત અને સુરક્ષિત શહેર તરીકે ઓળખાય છે. જોકે, ઈમરજન્સી હેલ્પલાઈનના આ આંકડા શહેરમાં શેરી હિંસા અને જાહેર ઝઘડાની સ્થિતિ કેટલી વ્યાપક છે તે અંગે સવાલો ઊભા કરે છે.
જોકે, 112 પર આવેલા કૉલની સંખ્યા અને વાસ્તવિક ગુનાઓની સંખ્યા એકસરખી હોતી નથી; એક જ ઘટનાને લઈને એકથી વધુ કૉલ પણ થઈ શકે છે. તેમ છતાં, 1 લાખથી વધુ હિંસા સંબંધિત કૉલનો આંકડો પોલીસ માટે ચોક્કસપણે ચિંતાનો વિષય બની શકે છે.










