વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક બનાવવા માટે મોટો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ઇ-ગવર્નિંગ કમિટીએ અમદાવાદનો અત્યાધુનિક GIS ડેટાબેઝ તૈયાર કરવા માટે રૂ. 240 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરની આશરે 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરવામાં આવશે.
ડ્રોનથી બનશે અમદાવાદનો 3D નકશો
સમગ્ર પ્રોજેક્ટમાં શહેરનો હાઈ-રિઝોલ્યુશન 3D ડિજિટલ નકશો તૈયાર કરવામાં આવશે. આ માટે ડ્રોન અને એરક્રાફ્ટમાં લગાવવામાં આવેલા હાઈ-રિઝોલ્યુશન કેમેરાનો ઉપયોગ થશે. સાથે જ જમીનની નીચે આવેલી પાણી, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટરની લાઈનોનું ચોક્કસ લોકેશન જાણવા માટે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારનો ઉપયોગ કરવામાં આવશે.
વાહનો પર ખાસ સેન્સર લગાવીને શહેરના રસ્તાઓનો 360 ડિગ્રી વ્યૂ પણ રેકોર્ડ કરવામાં આવશે, જે ગૂગલ સ્ટ્રીટ વ્યૂ જેવી ટેક્નોલોજી આધારિત હશે.
25 લાખ મિલકતોને મળશે ‘ડિજિટલ ડોર આઈડી’
પ્રોજેક્ટ હેઠળ દરેક મિલકતનો ઘરે-ઘરે સર્વે કરવામાં આવશે અને દરેક મિલકતને એક યુનિક ‘ડિજિટલ ડોર આઈડી’ આપવામાં આવશે. સર્વેની કામગીરી બે તબક્કામાં પૂર્ણ થશે.
પ્રથમ તબક્કામાં 9 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ
બીજા તબક્કામાં 16 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ
આ સમગ્ર કામગીરી ખાનગી એજન્સી જેનેસિસ ઇન્ટરનેશનલ દ્વારા અંદાજે અઢી વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ પાંચ વર્ષ સુધી પ્રોજેક્ટના ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદારી પણ એજન્સી સંભાળશે.
પ્રોપર્ટી ટેક્સથી લઈને ગેરકાયદે દબાણ સુધી નજર
GIS આધારિત સિસ્ટમથી મ્યુનિસિપલ કોર્પોરેશનને અનેક ફાયદા થશે. વેરાના ચોપડે નોંધાયેલી ન હોય તેવી મિલકતોને સરળતાથી ઓળખી શકાશે, જેના કારણે પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થઈ શકે છે.
એસ્ટેટ વિભાગની જમીન અને પ્લોટનું જીઓ-કોડિંગ થવાથી ગેરકાયદે દબાણો શોધવાનું પણ સરળ બનશે. અધિકારીઓ ડેશબોર્ડ પરથી વિવિધ પ્રોજેક્ટ્સનું મોનિટરિંગ કરી શકશે અને ભવિષ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન વધુ ચોકસાઈથી કરી શકશે.
રસ્તા ખોદવાની સમસ્યામાંથી પણ મળશે રાહત
અંડરગ્રાઉન્ડ પાણી, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈનોનું ચોક્કસ લોકેશન ઉપલબ્ધ હોવાથી લીકેજ કે ફોલ્ટ થાય ત્યારે આખો રસ્તો ખોદવાની જરૂર નહીં પડે. જે જગ્યાએ ખરાબી હશે ત્યાં જ ચોક્કસ ખોદકામ કરી શકાય છે.
તેના કારણે વારંવાર થતાં રોડ ખોદકામ, ટ્રાફિક ડાયવર્ઝન અને વાહનચાલકોની મુશ્કેલીમાં ઘટાડો થશે.
ફરિયાદોનું પણ જીઓ-ટેગિંગ થશે
નાગરિકોની ફરિયાદોને પણ GIS સિસ્ટમ સાથે જોડવામાં આવશે. રસ્તાના ખાડા, ગટર ઊભરાવાની સમસ્યા કે અન્ય ફરિયાદો ચોક્કસ લોકેશન સાથે જીઓ-ટેગ થઈ શકશે. પરિણામે સંબંધિત વિભાગને સમસ્યાનું ચોક્કસ સ્થળ જાણી ઝડપી કાર્યવાહી કરવામાં મદદ મળશે.
આ ઉપરાંત બિલ્ડિંગ પ્લાન, ફાયર NOC અને પ્રોપર્ટી ટેક્સ જેવી સેવાઓને પણ GIS પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે. આથી અમદાવાદમાં સરકારી કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનવાની શક્યતા છે.










