રાજકોટ: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અંતર્ગત કર્મચારી પેન્શન યોજના (EPS-1995) હેઠળ પેન્શનરોને વર્ષ 2014થી લઘુત્તમ રૂ.1000 માસિક પેન્શન આપવામાં આવે છે. જોકે, આ નિર્ણયને લગભગ 12 વર્ષ વીતી ગયા છતાં લઘુત્તમ પેન્શનની રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ, વીજળી, પરિવહન સહિત જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થતાં રૂ.1000નું માસિક પેન્શન વરિષ્ઠ નાગરિકો માટે અપૂરતું સાબિત થઈ રહ્યું છે.
ખાસ કરીને વૃદ્ધ પેન્શનરો માટે તબીબી સારવાર અને દવાઓનો ખર્ચ સતત વધી રહ્યો છે. જીવનભર સંગઠિત ક્ષેત્રમાં નોકરી કરીને ભવિષ્ય નિધિ અને પેન્શનમાં યોગદાન આપનારા કર્મચારીઓ નિવૃત્તિ બાદ આટલી ઓછી રકમમાં જીવનનિર્વાહ કરવા મજબૂર બન્યા છે. પેન્શનની રકમ મોંઘવારીના પ્રમાણમાં સુધારવામાં ન આવતાં અનેક પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
બીજી તરફ વિવિધ રાજ્ય સરકારો દ્વારા વૃદ્ધાવસ્થા અને સામાજિક સુરક્ષા પેન્શન હેઠળ EPFના લઘુત્તમ પેન્શન કરતાં ઘણી વધુ રકમ આપવામાં આવે છે. હરિયાણામાં રૂ.3200, આંધ્રપ્રદેશમાં રૂ.4000 અને રાજસ્થાનમાં રૂ.1320 માસિક પેન્શન આપવામાં આવે છે. અન્ય રાજ્યોમાં પણ સામાજિક સુરક્ષા હેઠળ રૂ.1000થી વધુની સહાય આપવામાં આવે છે. દિલ્હી સરકારે તાજેતરમાં મહિલાઓ માટે રૂ.2500 માસિક સહાયની યોજના પણ શરૂ કરી છે.
વિડંબના એ છે કે EPF પેન્શન મેળવતા અનેક વરિષ્ઠ નાગરિકોને અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મળતો નથી, કારણ કે તેઓ પહેલેથી જ પેન્શનર ગણાય છે. પરિણામે રૂ.1000 જેટલી નજીવી પેન્શન મેળવતા હોવા છતાં તેઓ વધારાની સરકારી સહાયથી વંચિત રહે છે.
આ અંગે ભારતીય મજદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઈ દવેએ કેન્દ્ર સરકાર પાસે EPF પેન્શનની તાત્કાલિક સમીક્ષા કરી લઘુત્તમ પેન્શનને સન્માનજનક સ્તરે વધારવાની માંગ કરી છે. સાથે જ મોંઘવારી સૂચકાંક સાથે પેન્શનને જોડીને સમયાંતરે આપમેળે વધારો થાય તેવી ઈન્ડેક્સેશન વ્યવસ્થા અમલમાં મૂકવાની પણ માંગણી કરવામાં આવી છે. નિવૃત્ત કર્મચારીઓને આર્થિક સુરક્ષા અને સન્માનજનક જીવન આપવું સરકારની સામાજિક જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું છે.










