‘વિરાસતથી વિકાસ-2026’ લોકમેળામાં AI અને ડ્રોનથી સતત મોનિટરિંગ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાંધણ છઠ્ઠથી દશમ સુધી યોજાનારા પરંપરાગત જન્માષ્ટમીના લોકમેળાને આ વર્ષે ‘વિરાસતથી વિકાસ-2026’ નામ આપવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશે પત્રકાર પરિષદમાં મેળાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપી હતી. મેળાના નામ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં આશરે 4,400 એન્ટ્રી મળી હતી. અંતે રાજકોટના અજય રતિભાઈ કુકડિયાએ સૂચવેલું નામ પસંદ કરવામાં આવ્યું છે.

મેળાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. પ્લોટ અને સ્ટોલની ફાળવણી, ડ્રો તથા હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં હરાજી થકી લોકમેળા સમિતિને રૂ.364 લાખની આવક થઈ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્લોટિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે કંટ્રોલ રૂમ, ડોમ, મંડપ અને વીજ જોડાણ સહિતની કામગીરી ચાલી રહી છે. યાંત્રિક રાઇડ્સને સુરક્ષા ચકાસણી અને જરૂરી મંજૂરી બાદ જ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે.

લાખો લોકોની સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને આ વખતે સુરક્ષા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મેળામાં AI આધારિત ક્રાઉડ મોનિટરિંગ સિસ્ટમ અને ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ઉભો કરાશે, જ્યાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ચોવીસ કલાક સંકલન કરશે.

આ ઉપરાંત ઈમરજન્સી સમયે બચાવ કામગીરીમાં અડચણ ન આવે તે માટે મેળાના ગ્રાઉન્ડમાં સમર્પિત ડિઝાસ્ટર કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ક્યુઆરટી ટીમ દ્વારા સ્થળ પર મોકડ્રિલ યોજીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવશે. આકસ્મિક પરિસ્થિતિ માટે રૂ.10 કરોડનો પબ્લિક લાયબિલિટી વીમો અને રૂ.2 કરોડનો ઇવેન્ટ કેન્સલેશન વીમો પણ લેવામાં આવ્યો છે.

જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ, આ વર્ષે મેળાને ભવ્ય બનાવવા સાથે મુલાકાતીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ટેક્નોલોજી આધારિત મોનિટરિંગ, ઇમરજન્સી રિસ્પોન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થાથી લોકમેળો વધુ સુરક્ષિત રીતે યોજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai