1લી સપ્ટેમ્બરથી રાજકોટ એરપોર્ટ પર હવાઈ સેવા વધશે : દિલ્હી-મુંબઈની વધુ બે ફ્લાઈટ શરૂ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા દ્વારા વધુ બે ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્માષ્ટમી બાદ નવરાત્રી, દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને 1 સપ્ટેમ્બરથી દિલ્હી અને મુંબઈ માટેની સીધી હવાઈ સેવા વધારવામાં આવશે.

નવા શિડ્યૂલ મુજબ એર ઈન્ડિયાની સવારની દિલ્હી-રાજકોટ-દિલ્હી ફ્લાઈટ સવારે 10 વાગ્યે, જ્યારે સાંજની મુંબઈ-રાજકોટ-મુંબઈ ફ્લાઈટ સાંજે 6 વાગ્યે ઉડાન ભરશે. આ બંને ફ્લાઈટ અગાઉ બંધ કરવામાં આવી હતી, જે હવે ફરી શરૂ થવા જઈ રહી છે.

હાલમાં રાજકોટથી એર ઈન્ડિયાની દિલ્હી અને મુંબઈ માટે એક-એક ડેઈલી ફ્લાઈટનું સંચાલન થઈ રહ્યું છે. 1 સપ્ટેમ્બરથી વધુ બે ફ્લાઈટ શરૂ થતાં દિલ્હી અને મુંબઈ માટે કુલ ચાર ડેઈલી ફ્લાઈટ ઉપલબ્ધ થશે. જેના કારણે સૌરાષ્ટ્રના મુસાફરોને ખાસ કરીને વિદેશ જવા માટેની કનેક્ટિંગ ફ્લાઈટ પકડવામાં વધુ સુવિધા મળશે અને અમદાવાદ સુધી જવાની જરૂરિયાત ઘટશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 29 માર્ચ 2026થી એર ઈન્ડિયાની દિલ્હી અને મુંબઈ માટે સવારે તથા સાંજે મળી કુલ ચાર ફ્લાઈટનું સંચાલન થતું હતું. જોકે એરક્રાફ્ટની ઉપલબ્ધતા અને મુસાફરોની સંખ્યામાં ઘટાડાને કારણે 2 જૂનથી સવારની દિલ્હી અને સાંજની મુંબઈની એક-એક ફ્લાઈટ બંધ કરવામાં આવી હતી. હવે બંને ફ્લાઈટ ફરી શરૂ થતાં મુસાફરોને મોટી રાહત મળશે.

એર ઈન્ડિયા ઉપરાંત ઈન્ડિગો દ્વારા પણ રાજકોટથી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ માટે નિયમિત ફ્લાઈટ સેવા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત પુણે માટે અઠવાડિયામાં ચાર દિવસ સીધી ફ્લાઈટ ઉપલબ્ધ છે. 1 સપ્ટેમ્બરથી રાજકોટ એરપોર્ટ પરથી વિવિધ શહેરો માટે દૈનિક આશરે 11થી 12 ફ્લાઈટનું સંચાલન થવાની શક્યતા છે.

તહેવારોની સિઝનમાં વધનારા હવાઈ ટ્રાફિકને પહોંચી વળવા ફ્લાઈટની સંખ્યામાં થયેલો આ વધારો રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરી-વ્યવસાય માટે મુસાફરી કરતા લોકો તથા વિદેશ પ્રવાસીઓ માટે રાજકોટથી સીધી હવાઈ કનેક્ટિવિટી વધુ સુવિધાજનક બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai