વડોદરા શહેરના અટલાદરા, ભાયલી અને ગોત્રી સહિતના વિસ્તારોમાં મોબાઈલ ટાવરના BTS બોક્સમાંથી મધર કાર્ડ તરીકે ઓળખાતા ASIB કાર્ડની ચોરીના બનાવો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય બાતમીના આધારે પોલીસે મોબાઈલ ટાવરની દેખરેખ રાખતા બે ટેક્નિશિયન અને એક સુપરવાઇઝર સહિત ત્રણ કર્મચારીને ઝડપી પાડ્યા છે.
પોલીસે ગાજરાવાડી સુએજ પમ્પિંગ સ્ટેશન પાસે સ્કોર્પિયો કાર સાથે ઉભેલા ઇન્ડસ કંપનીના ટેક્નિશિયન પુરણસિંહ કિશનસિંહ રાઠોડ, રાજેશ ચંદુભાઈ પઢીયાર અને સુપરવાઇઝર સંજય વિઠ્ઠલભાઈ કોળીને અટકાવી તપાસ કરી હતી. ત્રણેય પાસેથી કુલ રૂ.49 હજાર રોકડા મળી આવતાં પોલીસે રકમ અંગે પૂછપરછ શરૂ કરી હતી.
પૂછપરછ દરમિયાન ત્રણેય શખ્સો ભાંગી પડ્યા હતા અને મોબાઈલ ટાવરમાંથી કાર્ડ ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપીઓ ઇન્ડસ કંપનીના ટાવરની દેખરેખ રાખવાની કામગીરી દરમિયાન રાત્રિના સમયે ગોત્રી, ભાયલી અને અટલાદરા સહિતના વિસ્તારોમાં આવેલા પાંચ ટાવરમાંથી ASIB કાર્ડ ચોરી કરતા હતા.
એક કાર્ડ રૂ.50 હજારમાં વેચતા હોવાનો ખુલાસો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચોરી કરેલા એક કાર્ડને આરોપીઓ આશરે રૂ.50 હજારમાં અન્ય પ્રતિસ્પર્ધી કંપનીને વેચતા હતા. કાર્ડ કાઢી લેવામાં આવતા મોબાઈલ ટાવરની કામગીરી ખોરવાઈ જતી હતી અને ટાવર બંધ થઈ જતાં ઇન્ડસ કંપનીને નુકસાન થતું હતું.
બીજી તરફ, ટાવરની કામગીરી ખોરવાતા તેની સીધી અસર હરીફ કંપનીને ફાયદો પહોંચાડતી હોવાની પણ પોલીસને શંકા છે. સમગ્ર મામલે ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કેટલી ચોરી કરવામાં આવી છે તેમજ ચોરી કરેલા કાર્ડ કોને વેચવામાં આવ્યા હતા તે અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.










