રાજકોટ શહેર-જિલ્લામાં ખાંડના ડિલરો અને વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગના દરોડા
ખાંડના સતત વધી રહેલા ભાવને નિયંત્રણમાં લેવા તેમજ સંગ્રહખોરી અને કાળાબજારને અટકાવવા માટે સરકારે ખાંડ પર સ્ટોક મર્યાદા લાગુ કરી છે. આ નિર્ણય બાદ રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા ખાંડના ડિલરો, હોલસેલ વેપારીઓ અને મોટા રિટેલરોને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પુરવઠા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા ડિલર દીઠ મહત્તમ 400 ટન ખાંડનો સ્ટોક રાખવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદાથી વધુ જથ્થો કોઈ ડિલર, હોલસેલર કે મોટા રિટેલર પાસે મળી આવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર રાજકોટ સહિત રાજ્યના તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને મોકલી આપવામાં આવ્યો છે.
15 ટીમો દ્વારા શહેર-જિલ્લામાં સઘન ચેકિંગ
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાંપડાએ જણાવ્યું હતું કે સ્ટોક મર્યાદાના અમલ માટે પુરવઠા વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. પુરવઠા વિભાગ અને મામલતદાર કચેરીના અધિકારીઓ સહિતની 15 ટીમોને શહેર અને જિલ્લામાં ચેકિંગ માટે રવાના કરવામાં આવી છે.
આ ટીમો દ્વારા ખાંડના ડિલરો, હોલસેલ વેપારીઓ તેમજ મોટા રિટેલરોના ગોડાઉન અને સ્ટોકની તપાસ કરવામાં આવી રહી છે. વેપારીઓ પાસે કેટલો જથ્થો ઉપલબ્ધ છે, સ્ટોક મર્યાદાનું પાલન થઈ રહ્યું છે કે નહીં તથા ખાંડનો ગેરકાયદેસર સંગ્રહ તો કરવામાં આવ્યો નથી ને તે સહિતના મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.
સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ ખાંડની કૃત્રિમ અછત ઊભી કરીને ભાવ વધારતા તત્વો પર અંકુશ મેળવવાનો અને ગ્રાહકોને ખાંડના વધતા ભાવમાંથી રાહત આપવાનો છે. પુરવઠા વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.










