રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન પણ રાજ્યમાં નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી હોવાનું જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તા. 5 સપ્ટેમ્બર સુધીની આગાહી અંગે તેમણે જણાવ્યું હતું કે, ઓડિશા અને પશ્ચિમ બંગાળ નજીક વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ સાથે સંકળાયેલું અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે, જે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ છત્તીસગઢ અને મધ્યપ્રદેશ તરફ આગળ વધવાની શક્યતા છે.
હાલ ચોમાસાની ધરીનો પશ્ચિમ છેડો હજુ ઉત્તર તરફ છે. તે અમૃતસર, પટિયાલા, નઝીમાબાદ અને બસ્તી થઈને લો-પ્રેશર વિસ્તાર મારફતે મધ્ય-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરેલો છે. ચોમાસાની ધરીની આ સ્થિતિને કારણે ગુજરાતમાં વ્યાપક વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ નથી.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લો-પ્રેશર સાથે સંકળાયેલા અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી એક મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે. તેની અસર હેઠળ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સુધીના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શક્યતા ઓછી
અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ, તા. 5 સપ્ટેમ્બર સુધી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવાથી છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિતિ અલગ રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં આઇસોલેટેડ વરસાદની શક્યતા તો છે, પરંતુ નોંધપાત્ર કે વ્યાપક વરસાદની સંભાવના હજુ ધૂંધળી રહેશે.
આ સ્થિતિને જોતા આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું મોટું વિઘ્ન ઊભું થવાની શક્યતા ઓછી હોવાનું અનુમાન છે.










