બુધવારથી પાંચ દિવસ રાજકોટમાં લોકમેળાની રંગત જામશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે ‘વિરાસતથી વિકાસ-2026’નું ઉદ્ઘાટન; નેવી બેન્ડની દેશભક્તિની ધૂનોથી ગુંજશે રેસકોર્સ

રાજકોટ: રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તા. 2 સપ્ટેમ્બરથી પાંચ દિવસ માટે યોજાનારા ‘વિરાસતથી વિકાસ-2026’ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ અને લોકપરંપરાની ઝલક દર્શાવતા આ લોકમેળાનું ઉદ્ઘાટન જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવશે.

સતત બીજા વર્ષે મંત્રી જીતુ વાઘાણીના હસ્તે લોકમેળાનું ઉદ્ઘાટન થશે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાઓ પૈકીના એક એવા આ મેળામાં દર વર્ષે 13થી 15 લાખ લોકો ઉમટી પડતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

મોકડ્રીલથી ઇમરજન્સી વ્યવસ્થાની ચકાસણી

લોકમેળા દરમિયાન કોઈ આકસ્મિક ઘટના બને તો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી કરી શકાય તે માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિભાગોની સંયુક્ત મોકડ્રીલ યોજાશે.

આ મોકડ્રીલ દરમિયાન ડિઝાસ્ટર રૂટ, ઇમરજન્સી એક્ઝિટ અને રાહત-બચાવની વ્યવસ્થા સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવશે.

પ્રથમ વખત લોકમેળામાં નેવી બેન્ડનું આકર્ષણ

આ વર્ષના લોકમેળામાં પ્રથમ વખત ભારતીય નૌસેનાનું બેન્ડ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. આશરે 18 નૌસેનાના જવાનોની ટીમ દેશભક્તિની ધૂનોથી રેસકોર્સ ગ્રાઉન્ડને ગુંજાવશે.

નેવી બેન્ડ દ્વારા ‘વંદે માતરમ’, ‘દેશ મેરે’, ‘લક્ષ્ય થીમ’, ‘તેરી મિટ્ટી’ સહિત કુલ 13 જેટલી મેલોડીઝ રજૂ કરવામાં આવશે. સાથે જ પાર્શ્વમાં નૌસેનાના શૌર્યની ઝલક દર્શાવતો વીડિયો પણ રજૂ કરવામાં આવશે.

ઉદ્ઘાટન પ્રસંગે લોકગાયક ગોપાલ ભરવાડની રજૂઆત સાથે તા. 3 સપ્ટેમ્બરે સાંજે 7થી 8 દરમિયાન નેવી બેન્ડ દ્વારા સંગીત કાર્યક્રમ યોજાશે.

મનપાના પ્લોટમાં આ વર્ષે ખાનગી મેળા નહીં

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાનગી મેળાઓ માટે પોતાના વિવિધ પ્લોટ ભાડે આપવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આ વર્ષે એક પણ ટેન્ડર નહીં આવતા પ્રક્રિયા નિષ્ફળ રહી છે.

150 ફૂટ રિંગ રોડ પર નાના મવા સર્કલ નજીકનો પ્લોટ, સાધુવાસવાણી રોડ પર રાજ પેલેસ બિલ્ડિંગ સામેનો પ્લોટ અને અમીન માર્ગના કોર્નર પર ઝેડ બ્લુ સામેનો પ્લોટ સહિતના ત્રણ પ્લોટ ખાનગી મેળા માટે ભાડે આપવાના હતા. પરંતુ કોઈ પાર્ટીએ રસ ન દાખવતા આ વર્ષે મનપાના પ્લોટમાં ખાનગી મેળો નહીં યોજાય.

લોકમેળાની સ્વચ્છતા માટે 290 સફાઈ કર્મચારીઓ તૈનાત

લોકમેળા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તા. 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન આશરે 290 સફાઈ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે.

સફાઈ કામગીરી ત્રણ શિફ્ટમાં કરવામાં આવશે. સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી 90, બપોરે 2થી રાત્રે 10 વાગ્યા સુધી 40 અને રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી 160 સફાઈ કર્મચારીઓ ફરજ બજાવશે.

મેળો પૂર્ણ થયા બાદ તા. 7થી 13 સપ્ટેમ્બર દરમિયાન વધુ 120 સફાઈ કર્મચારીઓ રેસકોર્સ ગ્રાઉન્ડની સઘન સફાઈ કરી મેદાનને ફરી સ્વચ્છ અને સુઘડ બનાવશે.

30 જેટલા વાહનો કચરા નિકાલ માટે દોડશે

મેળા પરિસરમાંથી કચરાનો ઝડપી નિકાલ કરવા માટે 25થી 30 ટીપર વાન ઉપરાંત JCB અને ડમ્પર તૈનાત કરવામાં આવશે. એકત્રિત કચરો નાકરાવાડી ખાતે આવેલી મહાનગરપાલિકાની મુખ્ય ડમ્પિંગ સાઇટ પર પહોંચાડવામાં આવશે.

મુલાકાતીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે નાટક, ગીત-સંગીતની રજૂઆતો તેમજ LED સ્ક્રીન મારફતે સ્વચ્છતા સંદેશ આપવામાં આવશે.

‘સ્વચ્છ મેળો, સુંદર મેળો’ના સંકલ્પ સાથે જિલ્લા તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેળાને સુરક્ષિત, સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai