VMCની ખોરાક શાખાનું સઘન ચેકિંગ : નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી
વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની ખોરાક શાખા દ્વારા શહેરમાં ‘વન ડે વન રોડ’ અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં દુકાનો અને રેસ્ટોરન્ટનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અભિયાનના ભાગરૂપે દિવાળીપુરા કોર્ટ સામે આવેલી દુકાનો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન એક દુકાન પાસે જરૂરી લાયસન્સ ન હોવાનું સામે આવતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે દુકાનને સીલ કરવાની કાર્યવાહી કરી હતી. જ્યારે અન્ય કેટલીક દુકાનો અને રેસ્ટોરન્ટમાં ગંદકી જોવા મળતાં જવાબદાર સંચાલકો સામે રૂ.5 હજારથી રૂ.10 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ ઉપરાંત VMCની ટીમ દ્વારા દુકાનોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ અંગે પણ તપાસ કરવામાં આવી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ સમગ્ર ચેકિંગ કામગીરીમાં સંબંધિત વોર્ડ ઓફિસનો સ્ટાફ, ખોરાક શાખા, સેનેટરી વિભાગ સહિતના કર્મચારીઓ જોડાયા હતા. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને દુકાન-રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા જરૂરી નિયમોનું પાલન કરવામાં આવે તે માટે આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.










