નાવડી ઝુલો, ફેરીસવ્હીલ, બ્રેકડાન્સ-ટોરાટોરા સહિતની રાઈડ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર
રાજકોટ: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલ તા. 2 સપ્ટેમ્બરથી ‘વિરાસતથી વિકાસ’ લોકમેળો-2026નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તા. 2થી 6 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ પાંચ દિવસીય લોકમેળાની જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આવતીકાલે સાંજે 4:30 કલાકે જિલ્લાના પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન પ્રસંગે સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. મેળામાં કુલ 228 સ્ટોલ-પ્લોટ રાખવામાં આવ્યા છે, જેમાંથી 34 પ્લોટમાં વિવિધ યાંત્રિક રાઈડ્સ ઉભી કરવામાં આવી છે.
નાવડી ઝુલો, ફઝરફાળકા, બ્રેકડાન્સ, ટોરાટોરા સહિતની રાઈડ્સ મેળામાં આવતા લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.
પાંચ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત
સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકસંસ્કૃતિની ઝલક દર્શાવતા આ મેળામાં પાંચ દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. દરરોજ સાંજે 4થી 8 વાગ્યા સુધી સ્થાનિક આશરે 40 કલાકારોને પોતાની કલાની રજૂઆત માટે સ્ટેજ આપવામાં આવશે.
2 સપ્ટેમ્બર: ગોપાલ ભરવાડ અને નેવી બેન્ડની વિશેષ પ્રસ્તુતિ
3 સપ્ટેમ્બર: રાજભા ગઢવી
4 સપ્ટેમ્બર: સાંત્વની ત્રિવેદી
5 સપ્ટેમ્બર: ઉદય ધાંધલ
6 સપ્ટેમ્બર: સાગર કાચા અને દિવ્યેશ જેઠવાની જોડી
સ્ટોલ-પ્લોટથી તંત્રને રૂ.3.64 કરોડની આવક
મેળામાં યાંત્રિક રાઈડ્સના 34 પ્લોટ ઉપરાંત આઈસ્ક્રીમના 17 પ્લોટ, ખાણીપીણીના મોટા પ્લોટ અને કોર્નર પ્લોટ સહિત વિવિધ સ્ટોલ-પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી વહીવટીતંત્રને આશરે રૂ.364 લાખની આવક થઈ છે.
લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટવાના હોવાથી ભીડ નિયંત્રણ માટે આ વખતે પ્રથમવાર AI આધારિત ક્રાઉડ મોનિટરિંગ અને ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવશે.
સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા
આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા રૂ.10 કરોડનો પબ્લિક લાયબિલિટી વીમો તથા રૂ.2 કરોડનો ઇવેન્ટ કેન્સલેશન વીમો લેવામાં આવ્યો છે. ઇમરજન્સી માટે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે, જ્યાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ચોવીસ કલાક સંકલનમાં રહેશે.
બચાવ કામગીરી દરમિયાન કોઈ અડચણ ન આવે તે માટે ડિઝાસ્ટર કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને QRT ટીમ દ્વારા મોકડ્રીલ યોજીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવશે.
રાઈડમાં આગની મોકડ્રીલ, ઊંચાઈએ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ
લોકમેળાની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે રેસકોર્સ મેદાનમાં ખાસ મોકડ્રીલ યોજાઈ હતી. મેઈન ગેટથી ચોથી રાઈડમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડાના ગોટા સાથે આગ લાગી હોવાની સ્થિતિ ઊભી કરવામાં આવી હતી. આગને કારણે રાઈડમાં કેટલાક લોકો ઊંચાઈ પર ફસાયા હોવાનો સિનારિયો ઉભો કરાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ, આરોગ્ય વિભાગ, પોલીસ અને જનરક્ષક હેલ્પલાઈન સહિતની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ઊંચાઈએ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયાનું પણ મોકડ્રીલમાં નિદર્શન કરવામાં આવ્યું હતું.
મોકડ્રીલ દરમિયાન નિવાસી અધિક કલેક્ટર જે.એચ. બારોટ સહિત પોલીસ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આરોગ્ય અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચોવીસ કલાક સફાઈ અને 14 સ્થળે પાર્કિંગ
મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રાઉન્ડ ધ ક્લોક સફાઈ વ્યવસ્થા કરવામાં આવશે. વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પણ ખાસ ફરજ સોંપવામાં આવી છે.
મેળામાં આવતા લોકોની વાહન વ્યવસ્થા માટે 14 સ્થળે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
હેલ્પલાઈન નંબર
સેન્ટ્રલ કંટ્રોલ રૂમ: 0281-2990495
પોલીસ કંટ્રોલ: 0281-2990462
PGVCL ઈલેક્ટ્રિક હેલ્પલાઈન: 0281-2990493
આમ, રાઈડ્સ, ખાણીપીણી, લોકસંસ્કૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રાજકોટનો પાંચ દિવસીય લોકમેળો આવતીકાલથી ધમધમતો થવા જઈ રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક, સ્વચ્છતા અને ઇમરજન્સી વ્યવસ્થાઓને પણ ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.










