લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા મહાન ગાયકો પાસે ગુજરાતી ગીતો ગવડાવનાર ગૌરાંગ વ્યાસની અંતિમ વિદાય
અમદાવાદઃ ગુજરાતી સંગીત અને ફિલ્મ જગતને ભારે આંચકો લાગ્યો છે. જાણીતા સંગીતકાર અને દિગ્ગજ સંગીતકાર અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં મોડી રાત્રે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી ગુજરાતી કલા અને સંગીત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગૌરાંગ વ્યાસે 100થી વધુ ફિલ્મોમાં સંગીત નિર્દેશક તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. ભવની ભવાઈ અને લાખો ફુલાણી જેવી જાણીતી ફિલ્મોમાં તેમના સંગીતે ગુજરાતી સિનેમાને સમૃદ્ધ બનાવ્યું હતું. ફિલ્મો ઉપરાંત તેમણે સુગમ સંગીત, ગરબા, ભજનો અને નાટકો માટે પણ અનેક યાદગાર રચનાઓ આપી હતી.
દિગ્ગજ ગાયકોના કંઠે ગુજરાતી ગીતો ગુંજાવ્યાં
ગૌરાંગ વ્યાસની કારકિર્દીની વિશેષ સિદ્ધિ એ હતી કે તેમણે લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા દિગ્ગજ પાર્શ્વગાયકો પાસે ગુજરાતી ગીતો ગવડાવ્યાં હતાં. તેમના સ્વરાંકનમાં તૈયાર થયેલા લાખ લાખ દિવડા, ઘોર અંધારી રે રાતલડીમાં, દીકરી તો પારકી થાપણ અને તુ રંગાઈ જાને રંગમાં જેવી રચનાઓ આજે પણ સંગીતપ્રેમીઓના હૃદયમાં વસેલી છે.
અવિનાશ વ્યાસનો સંગીત વારસો આગળ ધપાવ્યો
બાળપણથી જ સંગીતના માહોલમાં ઉછરેલા ગૌરાંગ વ્યાસે પિતા અવિનાશ વ્યાસના સમૃદ્ધ સંગીત વારસાને આગળ વધાર્યો હતો. પોતાની અનોખી સંગીત શૈલી અને મધુર સ્વરાંકનથી તેમણે ગુજરાતી સંગીતને નવી ઊંચાઈ આપી.
ગૌરાંગ વ્યાસના નિધનથી ગુજરાતી સંગીત, ફિલ્મ અને કલા જગતને અપૂરણીય ખોટ પડી છે. સંગીતપ્રેમીઓ માટે તેમની રચનાઓ અને સંગીત વારસો હંમેશા અમર રહેશે.










