વાર્ષિક સહાયમાં રૂ.4,000નો વધારો કરવાની સંભાવના; ખેડૂતો લાંબા સમયથી રકમ વધારવાની કરી રહ્યા છે માંગ
નવી દિલ્હી: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) હેઠળ લાભ મેળવનારા કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક આર્થિક સહાય વધારવા અંગે વિચારણા કરી રહી હોવાના સંકેતો મળ્યા છે.
હાલ PM કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે રૂ.6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. હવે આ રકમ વધારીને રૂ.10,000 કરવાની સંભાવના અંગે ચર્ચા ચાલી રહી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે તો ખેડૂતોને હાલની સરખામણીએ વાર્ષિક રૂ.4,000 વધુ સહાય મળી શકે છે.
ખેડૂતો લાંબા સમયથી કરી રહ્યા છે માંગ
ખેડૂતો તરફથી PM કિસાન યોજનાની વાર્ષિક સહાયમાં વધારો કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. ખેતીમાં વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વધુ આર્થિક મદદ મળે તેવી માંગ ઉઠી રહી છે.
સરકારના પ્રસ્તાવ પર વિચારણા?
સરકારની હાઈપાવર પરચેઝ કમિટીના સભ્ય અને ભારતીય કૃષક સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કૃષ્ણવીર ચૌધરીએ પણ PM કિસાનની રકમ વધારવા અંગે સંકેત આપ્યો છે. નૂહ પંચાયત ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિની રકમ વધારવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
તેમના જણાવ્યા મુજબ, ખેડૂતોને મળતી વાર્ષિક સહાય રૂ.6,000થી વધારીને રૂ.10,000 કરવાની સંભાવના છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય અને સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી ખેડૂતોને રૂ.10,000ની રકમ નિશ્ચિત માનવી નહીં.