રાજકોટ: જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજકોટ એસટી વિભાગને રેકોર્ડબ્રેક આવક થઈ છે. તા.2થી 6 સપ્ટેમ્બર દરમિયાન પાંચ દિવસમાં વિભાગને રૂ.3.97 કરોડથી વધુની આવક થઈ હતી.
આ સમયગાળા દરમિયાન રાજકોટ એસટી વિભાગના વિવિધ ડેપો દ્વારા કુલ 9,537 ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. પાંચ લાખથી વધુ મુસાફરોએ એસટી સેવાનો લાભ લીધો હતો, જ્યારે બસોએ કુલ 10.95 લાખથી વધુ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
તહેવારો દરમિયાન રાજકોટથી અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર, વેરાવળ અને જૂનાગઢ રૂટ પર સૌથી વધુ મુસાફરોનો ધસારો રહ્યો હતો.
સૌથી વધુ આવક રાજકોટ વોલ્વો ડેપોને થઈ હતી. અમદાવાદ, વડોદરા, ભુજ અને નાથદ્વારા રૂટના સંચાલનથી ડેપોએ રૂ.66.38 લાખથી વધુની આવક મેળવી હતી. રાજકોટ-5 ડેપોને રૂ.49.41 લાખ, સુરેન્દ્રનગર ડેપોને રૂ.39.43 લાખ અને જસદણ ડેપોને રૂ.37 લાખથી વધુની આવક થઈ હતી.










