અમદાવાદ: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર 10 અને 11 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. તેઓ સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે.
ત્યારબાદ તેઓ ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી મેળવવા માટે અડાલજની વાવની મુલાકાત લેશે. સાંજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે ‘ભારતમાં ચૂંટણીઓનું સંચાલન-વિશ્વની સૌથી મોટી લોકશાહી’ વિષય પર સંવાદ યોજાશે.
મુલાકાતના બીજા દિવસે મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હોલ ખાતે રાજ્યભરના 500થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ સાથે સંવાદ કરશે. ત્યારબાદ શેલા સ્થિત AUDA ઓડિટોરિયમમાં 1,000થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબના સભ્યોને સંબોધિત કરી તેમની સાથે સંવાદ કરશે.
આ કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં લોન્ચ કરાયેલા ELC 2.0ના વિઝન, મિશન અને મુખ્ય વિશેષતાઓ અંગે માહિતી આપવામાં આવશે. ઉપરાંત ચૂંટણી સંબંધિત ‘ઓલ સોલ્યુશન્સ પ્લેટફોર્મ’ ECINET અંગે પણ માહિતીસભર સત્ર યોજાશે.
ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ વિવિધ વિષયો પર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના **‘રોલથી પોલ સુધી પારદર્શિતા’**ના વિઝનને આગળ વધારવા માટે મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત, સંદીપ સાગળેની ટીમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.