ત્રણ દિવસના વિધાનસભા સત્રનો પ્રારંભ, વરસાદી ઘટથી લઠ્ઠાકાંડ સુધીના મુદ્દા ગાજશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ટૂંકા સત્રનો આજથી પ્રારંભ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ અને આગામી દિવસોમાં પાણીની સ્થિતિ વધુ ગંભીર બનવાની ચિંતા વચ્ચે વિધાનસભામાં વરસાદ, ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે ગરમાગરમી થવાના સંકેતો છે.

વિપક્ષ દ્વારા સરકારને વિવિધ જનહિતના મુદ્દે ઘેરવાની તૈયારી કરવામાં આવી છે. ખાસ કરીને વરસાદની ઘટને કારણે ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ, મોંઘવારી અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે સરકાર પાસે જવાબ માગવામાં આવશે. બીજી તરફ સરકાર ત્રણ દિવસના ટૂંકા સત્ર દરમિયાન આશરે આઠ જેટલા મહત્વના વિધેયકો પસાર કરાવવાની દિશામાં આગળ વધશે.

સરકાર દ્વારા ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક, ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા સંબંધિત જોગવાઈઓ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક તેમજ ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક સહિતના મહત્વના ખરડા રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત ભાવનગરના લઠ્ઠાકાંડનો મુદ્દો પણ વિધાનસભામાં ગાજે તેવી શક્યતા છે. 9, 10 અને 11 સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા આ સત્રમાં આજે બે સત્રો વચ્ચે દિવંગત મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

સત્રના પ્રારંભ પહેલાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની અલગ-અલગ બેઠક યોજાઈ હતી. આ દરમિયાન જેલવાસ ભોગવી રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment