ગાંધીનગર: રાજ્યમાં વાહનચોરી અટકાવવા, ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા અને કાયદો-વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે નંબરપ્લેટ વિનાના તથા નિયમવિરુદ્ધ નંબરપ્લેટ ધરાવતા વાહનો સામે રાજ્યવ્યાપી વિશેષ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના નિર્દેશથી 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ઝુંબેશ 14 ઓક્ટોબર સુધી ચાલશે.
આ દરમિયાન નંબરપ્લેટ વગરના, અસ્પષ્ટ, વાંકા-ચૂકા, અયોગ્ય ફોન્ટવાળા અથવા નંબરપ્લેટ સાથે ચેડાં કરાયેલા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ વાહનોની ઓળખ સુદૃઢ બનાવવાનો, ચોરી થયેલા વાહનો શોધી કાઢવાનો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં વાહનોના સંભવિત દુરુપયોગને અટકાવવાનો છે.
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી વી. સાહિત્યાએ વાહનચાલકોને પોતાના વાહનમાં આરટીઓના નિયમો મુજબ માન્ય, સ્પષ્ટ અને યોગ્ય નંબરપ્લેટ લગાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે સ્પીડ લિમિટનું પાલન કરવા, પોતાની લેનમાં વાહન ચલાવવા અને રોંગ સાઈડ ડ્રાઇવિંગ ટાળવા જણાવ્યું છે.
પોલીસે નેશનલ અને સ્ટેટ હાઇવે સહિતના મુખ્ય માર્ગો પર બેદરકારીપૂર્વક વાહન પાર્ક કરીને ટ્રાફિકમાં અડચણ ન ઊભી કરવા પણ અપીલ કરી છે. અકસ્માતમુક્ત અને સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે જરૂરી છે.