મોરબી: શેરબજારમાં રોકાણ કરાવી મોટો નફો અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. મોરબીમાં પણ એક યુવાનને શેરબજારમાં રોકાણની ખોટી સ્કીમો બતાવી ચાર શખ્સોએ કુલ ₹86,25,950ની ઠગાઈ કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મોરબીના ઉમા ટાઉનશિપમાં રહેતા 45 વર્ષીય ભરતભાઈ ખીમજીભાઈ વરમોરાએ રોહિતકુમાર, લલિતભાઈ, સાગર પટેલ અને નચિકેતભાઈ બળદેવભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ તેમના પુત્રને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાની અલગ-અલગ સ્કીમો જણાવી હતી.
આરોપીઓએ શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવી ₹9,400નું વળતર આપ્યું હતું. ત્યારબાદ વિશ્વાસ કેળવી મોટી રકમનું રોકાણ કરાવવા માટે અલગ-અલગ UPI અને બેંક ટ્રાન્ઝેક્શન મારફતે ₹4,87,350 તેમજ આંગડિયા પેઢી મારફતે હિંમતનગર ખાતે PM આંગડિયામાં ₹81,48,000 જમા કરાવ્યા હતા. આમ, કુલ ₹86,25,950ની રકમ મેળવી લીધા બાદ આરોપીઓએ છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદના આધારે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.










