અમદાવાદ: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર એક ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરને વિશ્વાસમાં લઈ બે શખ્સોએ ચામાં કેફી પદાર્થ પીવડાવી બેભાન કરી લૂંટ ચલાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓ પીડિતની સોનાની ચેઈન અને મોંઘો મોબાઈલ ફોન લઈ ગયા હતા. એટલું જ નહીં, તેમના મોબાઈલમાંથી Google Pay મારફતે કુલ ₹77 હજાર અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરીને બંને ફરાર થઈ ગયા હતા.
નોટોના બંડલ બતાવી કોન્ટ્રાક્ટરનો વિશ્વાસ જીત્યો
મહારાષ્ટ્રના નાલાસોપારા ઈસ્ટમાં રહેતા 48 વર્ષીય ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર જયપ્રકાશ તિવારી જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદના હંસપુરા રામદેવપીર મંદિર અને નરોડા ખોડિયાર માતાના મંદિરમાં લાઇટ ફિટિંગનું કામ કરવા આવ્યા હતા.
7 સપ્ટેમ્બરે કામ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના કારીગર ક્રિષ્નાકાંત સાથે મહારાષ્ટ્ર પરત જવા કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ટિકિટ લીધા બાદ સ્ટેશન બહાર રાજેશ યાદવ નામના શખ્સે તેમનો સંપર્ક કર્યો હતો. રાજેશે કંપનીએ એક વર્ષનો પગાર ન આપ્યો હોવાનું કહી ઓફિસમાંથી ₹2 લાખ લઈને પટના જતો હોવાની વાત કરી હતી. તેણે નોટોના બંડલ બતાવી કોન્ટ્રાક્ટરનો વિશ્વાસ જીત્યો હતો.
ચામાં કેફી પદાર્થ પીવડાવી લૂંટ ચલાવી
ત્યારબાદ રાજેશ અને તેના સાગરીતે જયપ્રકાશ તિવારીને ચા પીવા માટે સાથે લઈ ગયા હતા. ચા પીધા બાદ થોડા સમય પછી તેમને માથું ભારે થવા લાગ્યું હતું અને તેઓ કેફી પદાર્થની અસર હેઠળ આવી ગયા હતા.
આ તકનો લાભ લઈ આરોપીઓએ તેમની સોનાની ચેઈન અને મોબાઈલ ફોન લઈ લીધો હતો. ત્યારબાદ મોબાઈલમાંથી Google Pay મારફતે કુલ ₹77 હજાર અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી બંને શખ્સો ફરાર થઈ ગયા હતા.
ભાનમાં આવ્યા બાદ પોતાની સાથે લૂંટ અને છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતાં જયપ્રકાશ તિવારીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.










