ગુજરાતમાં ફરી બોમ્બની ધમકીઓનો સિલસિલો : વિધાનસભા, કોર્ટ અને ત્રણ સ્કૂલોને ધમકી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

BRICS સંમેલન દરમિયાન દિલ્હીમાં ધડાકાની ધમકીભર્યો ઈ-મેઈલ; તમામ સ્થળોએ બોમ્બ સ્કવોડની તપાસ, કશું મળ્યું નહીં

રાજકોટઃ ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીઓનો સિલસિલો સામે આવતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. રાજ્ય વિધાનસભા, ગાંધીનગર કોર્ટ સંકુલ અને અમદાવાદની ત્રણ શાળાઓને એકસરખા પ્રકારના ધમકીભર્યા ઈ-મેઈલ મળતાં તંત્ર દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.

અમદાવાદની વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલ, બોપલની ડીપીએચ સ્કૂલ અને થલતેજની ઉદગમ સ્કૂલને ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હતા. ઈ-મેઈલ બાદ ત્રણેય શાળાઓ ખાલી કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. બીજી તરફ ગાંધીનગર કોર્ટ સંકુલમાં પણ કામગીરી અટકાવી સમગ્ર પરિસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.

રાજ્ય વિધાનસભામાં ત્રણ દિવસીય ટૂંકા સત્રનો બીજો દિવસ શરૂ થાય તે પહેલાં જ ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. સુરક્ષાના કારણોસર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને શરૂઆતમાં વિધાનસભા પરિસરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ બોમ્બ સ્કવોડ સહિતની ટીમોએ સઘન તપાસ હાથ ધરી હતી.

ધમકીભર્યા ઈ-મેઈલમાં દિલ્હીમાં યોજાનારા BRICS સંમેલનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઈ-મેઈલમાં દિલ્હીના ભારત મંડપમ ખાતે ધડાકા કરવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સાથે જ ખાલિસ્તાની વિચારધારા સાથે જોડાયેલા વાંધાજનક અને ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તમામ સ્થળોએ બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી. તપાસ બાદ વિધાનસભામાં ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે તમામ ઈ-મેઈલનો પેટર્ન એકસરખો હોવાનું સામે આવ્યું છે. માત્ર સ્થળના નામ અને ધમકીના સમય અંગે ફેરફાર કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતમાં આ પ્રકારની ધમકીઓ વારંવાર મળતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ઈ-મેઈલના સ્ત્રોત અને મોકલનાર અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai