1984-85માં દર 10 હજારની વસ્તીએ 21.1નો પ્રમાણદર હતો, જુલાઈ 2026 સુધીમાં ઘટીને 0.48 થયો : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
ગાંધીનગરઃ ગુજરાતમાં રક્તપિત્ત નાબૂદી માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યક્રમોના પરિણામે રક્તપિત્તના દર્દીઓના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિધાનસભામાં જણાવ્યું હતું.
ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રક્તપિત્તગ્રસ્ત દર્દીઓને સારવાર ચાલુ હોય ત્યાં સુધી દર મહિને રૂ.2,000ની સહાય આપવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દી પ્લાસ્ટિક સર્જરી કરાવે તો વેઝલોસ તરીકે રૂ.12,000ની રોકડ સહાય પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત રક્તપિત્તના દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે પ્લાસ્ટિક સર્જરી ઉપરાંત દર છ મહિને ખાસ પ્રકારના માઈક્રોસેલ્યુલર રબર શૂઝ અને અલ્સર કિટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
21.1થી ઘટીને 0.48 થયો પ્રમાણદર
આરોગ્ય મંત્રીએ ગૃહમાં રજૂ કરેલા આંકડા મુજબ, વર્ષ 1984-85માં દર 10,000 વ્યક્તિએ રક્તપિત્તનો પ્રમાણદર 21.1 હતો. વર્ષ 1994-95માં આ દર ઘટીને 3.20, વર્ષ 2004-05માં 0.67 અને વર્ષ 2014-15માં 0.76 થયો હતો. જ્યારે જુલાઈ 2026ના અંત સુધીમાં આ પ્રમાણદર વધુ ઘટીને 0.48 નોંધાયો છે.
મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં અગાઉના વર્ષોની સરખામણીએ રક્તપિત્તના પ્રમાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં દર 10,000ની વસ્તીએ એકથી વધુ પ્રમાણદર જોવા મળ્યો છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જ્યાં રક્તપિત્તના કેસો મળી આવે છે ત્યાં લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે. વહેલી તકે દર્દીઓને શોધી કાઢી સારવાર હેઠળ મૂકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રક્તપિત્તગ્રસ્તોની સેવા કરનારા સંતોને શ્રદ્ધાંજલિ
મંત્રીએ રક્તપિત્ત અંગેની ભૂતકાળની સામાજિક સ્થિતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, એક સમયે રક્તપિત્તના દર્દીઓને સમાજથી દૂર સમુદ્ર કિનારે અથવા અવાવરું જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવતા હતા. આવી કઠિન પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રના પરબધામ (અમરમા) ખાતે સંત શ્રી દેવીદાસ અને શ્રી અમર દેવીદાસે રક્તપિત્તગ્રસ્ત દર્દીઓને આશ્રમમાં આશ્રય આપી નિઃસ્વાર્થ સેવા કરી હતી.
આરોગ્ય મંત્રીએ આવા મહાન સંતોને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમની માનવસેવાને વંદન કર્યું હતું.










