રાજકોટના 11 ડેમોમાં પણ પાણીનો જથ્થો તળિયે; જામનગરમાં 21માંથી 20 ડેમમાં 14 ટકાથી ઓછું પાણી, દ્વારકાના તમામ 12 ડેમમાં માત્ર 0.75 ટકા સંગ્રહ
રાજકોટઃ ચોમાસાની વિદાય નજીક હોવા છતાં સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની છે. છેલ્લા બે મહિનાથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ ન થતાં ખાસ કરીને પીવાના પાણીની ચિંતા ઊભી થઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કુલ 85 ડેમોમાંથી 45 ડેમોમાં જળસંગ્રહ 20 ટકાથી નીચે પહોંચી ગયો છે, જ્યારે કેટલાક જળાશયો લગભગ સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે.
સિંચાઈ વિભાગના આંકડા મુજબ રાજકોટ જિલ્લાના 27 ડેમોમાંથી 11 ડેમોમાં માત્ર 1.79થી 20 ટકા જેટલો જળસંગ્રહ બચ્યો છે. ભાદર, ડોંકી, ગોંડલી, વાછપરી, વેરી, મોતીસર, છાપરવાડી-1 અને 2, ઈશ્વરીયા, કરમાળ તથા કર્ણુકી સહિતના ડેમોમાં પાણીનો જથ્થો તળિયે પહોંચી ગયો છે.
રાજકોટ ફરી ‘સૌની યોજના’ના ભરોસે
રાજકોટ શહેર માટે પણ પાણીની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. રાજકોટવાસીઓએ ચાલુ વર્ષે પણ ‘સૌની યોજના’ પર આધાર રાખવો પડ્યો છે. આજી-1 બાદ હવે ન્યારી-1 ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા પખવાડિયાથી વધુ સમય દરમિયાન ન્યારી-1માં 135 એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું છે.
જામનગર-દ્વારકામાં સૌથી ગંભીર સ્થિતિ
સૌરાષ્ટ્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થિતિ સૌથી વધુ કથળી છે. જામનગર જિલ્લાના 21 ડેમોમાંથી 20 ડેમોમાં માત્ર 0.04થી 14 ટકા જેટલું પાણી બચ્યું છે. ફુલઝર-2 અને રૂપાવટી ડેમ સંપૂર્ણપણે ડ્રાય થઈ ગયા છે. જિલ્લામાં તમામ 21 ડેમનો સરેરાશ જળસંગ્રહ માત્ર 8.35 ટકા રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ 12 ડેમોમાં મળીને માત્ર 0.75 ટકા પાણી બચ્યું છે. બે ડેમ સંપૂર્ણ ખાલી થઈ ગયા છે, જ્યારે બાકીના 10 ડેમોમાં માત્ર 0.02થી 2.12 ટકા જેટલો જળસંગ્રહ છે.
મોરબી જિલ્લાના ડેમી-1માં 7.46 ટકા અને ડેમી-3માં માત્ર 2.89 ટકા પાણી બચ્યું છે. સુરેન્દ્રનગરના ધારી ડેમમાં 8.31 ટકા જળસંગ્રહ છે, જ્યારે પોરબંદરનો સોરઠી ડેમ સંપૂર્ણ ખાલી થઈ ગયો છે.
સૌરાષ્ટ્રમાં ચોમાસું નબળું રહેતા જળાશયોમાં પૂરતો જળસંગ્રહ થઈ શક્યો નથી. પરિણામે ચોમાસાની વિદાય પહેલાં જ અનેક વિસ્તારોમાં પીવાના પાણીના પ્રશ્નની ચિંતા ઘેરી વળી છે અને આગામી દિવસોમાં પાણીની વ્યવસ્થા વધુ પડકારરૂપ બનવાની શક્યતા ઊભી થઈ છે.










