મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, શિક્ષણ, મહિલા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો
ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે જન આક્રોશ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરણા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, શિક્ષણના વધતા ખર્ચ, મહિલા સુરક્ષા અને કથળતી કાયદો-વ્યવસ્થાના મુદ્દે રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા ત્રણ દાયકાથી વધુ સમયથી ભ્રષ્ટ શાસન, તઘલખી નિર્ણયો અને અણઘડ વહીવટનો ભોગ બની રહી છે. તેમણે મોંઘવારીના મુદ્દે કટાક્ષ કરતાં કહ્યું કે, એક સમયે ભાજપના નેતાઓ ‘ચાય પે ચર્ચા’ માટે જતા હતા, પરંતુ હવે ચાય પે ચર્ચા થતી નથી, કારણ કે ચર્ચા ચીની પે થઈ જાય છે. જનતા મોંઘવારી અંગે પ્રશ્ન કરે ત્યારે સરકાર પાસે કોઈ જવાબ નથી.
યુવાનોના રોજગારના મુદ્દે અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતનો યુવાન હાથમાં ડિગ્રી લઈને રોજગારની શોધમાં ભટકી રહ્યો છે. સરકારી ભરતીમાં વિલંબ, પરીક્ષાઓની અનિશ્ચિતતા અને પૂરતી રોજગારીની તકોના અભાવે યુવાનોમાં નિરાશા વધી રહી છે. માત્ર જાહેરાતો અને આંકડાઓ રજૂ કરવાથી રોજગાર ઊભો થતો નથી. યુવાનોને ભાષણ નહીં પરંતુ સ્થાયી રોજગાર અને પોતાના પગ પર ઊભા થવાની તક જોઈએ.
ખેડૂતોના પ્રશ્ને તેમણે જણાવ્યું કે, મોંઘું ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને ખેતીના વધતા ખર્ચને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. બીજી તરફ પાકના યોગ્ય ભાવ મળતા નથી. અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને અનેક વિસ્તારોમાં વરસાદની અછત જેવી પરિસ્થિતિઓ વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
કોંગ્રેસે સરકાર સમક્ષ માંગ કરી હતી કે, વરસાદની અછત ધરાવતા વિસ્તારોમાં તાત્કાલિક વાસ્તવિક સર્વે કરાવી દુષ્કાળ જેવી સ્થિતિ ધરાવતા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ અને વીજબીલ માફ કરવા, ખેતમજૂરો માટે તાત્કાલિક રાહતકામો શરૂ કરવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારો માટે વિશેષ ખેડૂત રાહત પેકેજ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ સરકાર પર વિધાનસભામાં જનતાના પ્રશ્નોની ચર્ચાથી ભાગવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર મોટી મોટી વાતો કરે છે, પરંતુ પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે માત્ર ત્રણ દિવસનું વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું છે. યુવાનોને રોજગારી, શિક્ષણનો અધિકાર, મોંઘવારી, મહિલા સુરક્ષા અને ખેડૂતોના પ્રશ્નો અંગે ગૃહમાં વિગતવાર ચર્ચા થવી જોઈએ.
કોંગ્રેસે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરના અત્યાચારના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ મુદ્દાઓને લઈને વિધાનસભામાં ચર્ચા માટે નોટિસ આપવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું.










