ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની મહેર યથાવત રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 268માંથી 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત અગાઉ ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર હાજરી નોંધાવી છે. રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 84 ટકાથી વધુ પહોંચી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ, ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઇંચ, જામનગરમાં 5.59 ઇંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ વરસાદ વરસ્યો છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. આણંદના બોરસદમાં 5.51 ઇંચ, મહેસાણાના કડીમાં 4.29 ઇંચ, વડોદરાના કરજણમાં 4.29 ઇંચ, સુરતમાં 4.17 ઇંચ, અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ અને નડિયાદમાં 4.06 ઇંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને નદી-નાળા છલકાયા છે. હવામાન વિભાગ મુજબ આજે 15 સપ્ટેમ્બરે કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.
રાજ્યમાં અત્યાર સુધી 766.96 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સિઝનનો સરેરાશ વરસાદ 908.88 મીમી છે. ઝોન પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 112.32%, મધ્ય ગુજરાતમાં 84.97%, સૌરાષ્ટ્રમાં 65.14%, ઉત્તર ગુજરાતમાં 63.29% અને કચ્છમાં 48.62% વરસાદ નોંધાયો છે.










