જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં મેઘપર (પડાણા) પોલીસે દરોડો પાડી રહેણાંક ઓરડીમાંથી 1 કિલો 795 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજાના જથ્થા સહિત કુલ રૂ.1,04,750નો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
બાતમીના આધારે ઓરડી નંબર-4માં દરોડો
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર અને સેવન સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પીયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એલ. બારસીયાની રાહબરીમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી.
તે સમયે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે કાનાલુસ ગામમાં પોસ્ટ ઓફિસની આગળની શેરીમાં આવેલી રહેણાંક ઓરડી નંબર-4માં ભાડેથી રહેતો અજીતસિંહ યાદવ તેના બે સાગરિતો વેદપ્રકાશ મિશ્રા અને વિશાલગીરી સાથે ગાંજાનો જથ્થો રાખી બેઠો છે અને તેનું વેચાણ કરવાની તૈયારીમાં છે.
બાતમીના આધારે પોલીસે ઓરડીમાં દરોડો પાડતાં ત્રણેય શખ્સો મળી આવ્યા હતા. પોલીસે અજીતસિંહ સુરેન્દ્રસિંહ યાદવ, વેદપ્રકાશ પ્રમોદકુમાર મિશ્રા અને વિશાલકુમાર મુરેન્દ્રગીરીને ઝડપી લીધા હતા. ઓરડીની તપાસ દરમિયાન 1 કિલો 795 ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ.89,750 થાય છે, મળી આવ્યો હતો. ગાંજા સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.1,04,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ઉત્તરપ્રદેશ અને બિહારના રહેવાસી આરોપીઓ
પોલીસ તપાસ મુજબ અજીતસિંહ સુરેન્દ્રસિંહ યાદવ મૂળ ઉત્તરપ્રદેશના કનોજ જિલ્લાના અલમાપુર ગામનો રહેવાસી છે. વેદપ્રકાશ પ્રમોદકુમાર મિશ્રા ઉત્તરપ્રદેશના ગોરખપુરનો રહેવાસી છે, જ્યારે વિશાલકુમાર મુરેન્દ્રગીરી બિહારના ગોપાલગંજ જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(સી), 20(બી)(2)(બી) અને 29 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે ગાંજો સપ્લાય કરનાર ઓડિશાના અરૂણકુમાર તેમજ તેના માણસ તરીકે ઓળખાતા એક અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે.
હાલ પોલીસ તપાસ કરી રહી છે કે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ નશાના નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે.










