15-16 સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં 65થી વધુ દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ જોડાશે
ગાંધીનગર: દક્ષિણ એશિયામાં પ્રથમવાર ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) 2026’નું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 15 અને 16 સપ્ટેમ્બરે કરવામાં આવી રહ્યું છે. ‘સર્ક્યુલર ઇકોનોમી: ટ્રાન્સિશન ફોર પીપલ એન્ડ પ્રોસ્પેરિટી’ થીમ સાથે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય ફોરમનું ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે.
ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભારતમાં ફિનલેન્ડના રાજદૂત મિક્કો કિવિકોસ્કી, સિત્રા (Sitra)ના પ્રમુખ એટે જાસ્કેલાઈનન સહિત ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ આંતરરાષ્ટ્રીય ફોરમનું આયોજન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), ફિનિશ ઇનોવેશન ફંડ સિત્રા, ફિનલેન્ડ સરકાર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના સંયુક્ત સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
65થી વધુ દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે
WCEF 2026માં વિશ્વના 65થી વધુ દેશોના 2,000થી વધુ હિસ્સેદારો ભાગ લેશે. તેમાં ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રના નેતાઓ, ઉદ્યોગસાહસિકો, સંશોધકો, નીતિ ઘડવૈયાઓ અને શિક્ષણવિદોનો સમાવેશ થાય છે.
બે દિવસ દરમિયાન AIનો ઉપયોગ, રોજગાર, ઊર્જા ઉત્પાદન, નાણાં, શાસન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સહિતના વિષયો પર 4 પ્લેનરી અને 16 થીમ આધારિત સત્રો યોજાશે. આ ઉપરાંત 125થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો દ્વારા સર્ક્યુલર ઇકોનોમી આધારિત વ્યવહારુ ઉકેલો અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.