કરજણમાં કારને ટ્રકે પાછળથી અડફેટે લીધી: બે યુવકોનાં ઘટનાસ્થળે મોત

કંડારી ગામ નજીક NH-48 પર અકસ્માત: ત્રણ યુવકો ગંભીર ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા

વડોદરા: કરજણ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર કંડારી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડમાં ઊભેલી કારને પાછળથી પૂરઝડપે આવેલા ટ્રકે જોરદાર ટક્કર મારતાં કારમાં સવાર બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી મુજબ, કરજણના જૂના બજાર વિસ્તારમાં રહેતા યુવાનો વડોદરામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપીને કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કંડારી ગામ નજીક નેશનલ હાઈવે-48 પર તેમની કાર રોડની સાઈડમાં ઊભી હતી. આ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે કારને અડફેટે લીધી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર પ્રેમ શાહ અને મિહિર પટેલનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય ત્રણ યુવકોને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

લગ્ન પ્રસંગમાં ખુશીથી હાજરી આપીને પરત ફરી રહેલા બે યુવાનોના અચાનક મોતથી કરજણના જૂના બજાર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment