રાજકોટમાં જ શૂટિંગ અને એડિટિંગ: મિત્રતા, લાગણી અને યાદોની આસપાસ વણાયેલી કહાની
રાજકોટ: રાજકોટ સ્થિત ફોરફેમ પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત નવી વર્ટિકલ ડ્રામા વેબસીરીઝ ‘રાજકોટ રિયુનિયન’નું પોસ્ટર અને ટ્રેલર 14 સપ્ટેમ્બરના રોજ YouTube, Facebook અને Instagram પર ફોરફેમ પ્રોડક્શન્સના પેજ પરથી લોન્ચ કરવામાં આવ્યું છે. વેબસીરીઝ 18 સપ્ટેમ્બરથી રિલીઝ થવાની છે.
ફોરફેમ પ્રોડક્શન્સ દ્વારા પ્રથમ વખત સાઉથના રાઇટર-ડિરેક્ટર સાથે હિન્દી ભાષામાં નવા કોન્સેપ્ટ અને વિષય સાથે આ વેબસીરીઝ તૈયાર કરવામાં આવી છે. સીરીઝનું મોટાભાગનું શૂટિંગ રાજકોટમાં કરવામાં આવ્યું છે. રાજકોટમાં જ એડિટિંગ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને સ્થાનિક કલાકારોને પણ અભિનયની તક આપવામાં આવી છે.
પાંચ કલાકારોની મુખ્ય ભૂમિકા
‘રાજકોટ રિયુનિયન’ એક એપિસોડિક વેબસીરીઝ છે, જે મિત્રતા, લાગણીઓ અને જૂની યાદોના તાણાવાણા પર આધારિત છે. તેમાં જેન-ઝી અને યુવા પેઢીને પસંદ પડે તેવા આધુનિક વિષયો અને રજૂઆતને આવરી લેવામાં આવી છે.
સીરીઝનું નિર્માણ મિહિર જોષી, નીરવ ભટ્ટ, લિયોનાર્ડ લોરેન્સ અને અધિષ જોષીએ કર્યું છે. લેખક અને દિગ્દર્શક આશિષ મોહનદાસ છે, જ્યારે એડિટિંગ નીરવ ભટ્ટે કર્યું છે. કલાકારોમાં આશિષ મોહનદાસ, અધિષ જોષી, નીરવ ભટ્ટ, લિયોનાર્ડ લોરેન્સ અને જયદેવ ચાડવાનો સમાવેશ થાય છે.
‘સાંજ સમાચાર’ની મુલાકાત દરમિયાન નિર્માતા અધિષ જોષી, નીરવ ભટ્ટ અને લિયોનાર્ડ લોરેન્સે જણાવ્યું હતું કે ટ્રેલર લોન્ચ થયા બાદ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સીરીઝનું મોટાભાગનું શૂટિંગ રાજકોટમાં થયું છે અને પાંચેય કલાકારોએ દિલથી અભિનય કર્યો છે. આ વેબસીરીઝ જેન-ઝી અને યુવા પેઢીને આકર્ષશે તેવી ટીમને આશા છે.