મુસાફરોને વિમાનમાંથી ઉતારતાં રાજકોટ એરપોર્ટ પર હોબાળો

રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હી જતી ઇન્ડિગોની સવારની ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટે ફ્લાઇટ અટકાવી દીધી હતી. મુસાફરોને વિમાનમાં બેસાડ્યા બાદ પરત નીચે ઉતારવામાં આવતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો અને એરપોર્ટ ટર્મિનલમાં હોબાળો થયો હતો.

મળતી માહિતી મુજબ ઇન્ડિગોની દિલ્હી-રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ સવારે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ દિલ્હી જવા માટે તૈયાર હતી. મુસાફરોને બેસાડ્યા બાદ ટેકઓફ પહેલાં પાયલોટને વિમાનમાં યાંત્રિક ખામી જણાતાં ફ્લાઇટ રોકવાનો નિર્ણય લેવાયો હતો.

કેટલાક મુસાફરોને દિલ્હીથી કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હોવાથી તેમણે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. કેટલાક મુસાફરોએ રિફંડ મેળવી ટેક્સી મારફતે અમદાવાદ એરપોર્ટ જવાનો નિર્ણય લીધો હતો, જ્યારે અન્ય મુસાફરો ફ્લાઇટ ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા.

કંપનીની ટેકનિકલ ટીમ દ્વારા વિમાનની ખામી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લગભગ 4 કલાકના વિલંબ બાદ સવારે 11 વાગ્યે ફ્લાઇટ ટેકઓફ થવાની સંભાવના હોવાનું જાણવા મળ્યું હતું.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment