જસદણના વિંછીયા બાયપાસ નજીક રૂરલ LCB ટીમે દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી. કારના ચોરખાનામાં સંતાડેલી 645 બોટલ વિદેશી દારૂ સાથે મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.7.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાની સૂચનાના પગલે LCB ટીમ જસદણ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે મહિન્દ્રા TUV કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો ભરી બે શખ્સો વિંછીયાથી જસદણ તરફ જવાના છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારને રોકી તપાસ કરતાં ચોરખાનામાંથી રૂ.2,54,775ની કિંમતની 645 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર ધનંજય ગુર્જર ભરડીયા અને નિલેશ ઈસરીયા કલેશ, બંને રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ,ની ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં બંને શખ્સો મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો ભરી જૂનાગઢ પંથકમાં ડિલિવરી આપવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે ડિલિવરી થાય તે પહેલાં જ LCB ટીમે બંનેને ઝડપી લીધા હતા.
પોલીસના જણાવ્યા મુજબ બંને અગાઉ પણ ચારથી પાંચ વખત દારૂની ડિલિવરી આપવા આવી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ જસદણ પોલીસે બંનેનો કબજો સંભાળી દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો તે અંગે રિસીવર સહિતના નેટવર્કની તપાસ શરૂ કરી છે.